Sun Oct 04 2026

Logo

મેલ મેટર્સઃ જો પુરુષોને પણ પિરિયડ્સ આવતા હોત તો...?

2026-09-24 13:07:00
Author: Ankit Desai
મેલ મેટર્સઃ જો પુરુષોને પણ પિરિયડ્સ આવતા હોત તો...?

અંકિત દેસાઈ

હમણાં જાણીતી અભિનેત્રી શ્રુતિ હાસને એક પૉડકાસ્ટ દરમિયાન એક ગંભીર છતાં રમૂજી નિવેદન આપ્યું કે તેમણે હજારો વાર એવી પ્રાર્થના કરી છે કે પુરુષોને પણ પિરિયડ્સ આવવા જોઈએ. તેમનો તર્ક એવો હતો કે જો પુરુષોને માસિક ધર્મ આવતો હોત તો કદાચ કૉર્પોરેટ જગતમાં ‘પિરિયડ લીવ’ કે રજાઓ આપવાના નિયમો વધુ સહજ, સંવેદનશીલ અને ઝડપી બની ગયા હોત, કારણ કે પુરુષકેન્દ્રી સમાજમાં જે પીડા દેખાય છે તેની જ ગંભીરતાથી નોંધ લેવાય છે.  

આ નિવેદન સાંભળીને પ્રથમ દૃષ્ટિએ કોઈ પણ પુરુષને નારાજગી થઈ શકે અથવા તો આ વાતને માત્ર એક ભ્રમ કે કટાક્ષ ગણીને નકારી દેવાનું મન થાય, પરંતુ જ્યારે આપણે આ વિષયને આવેગ કે પક્ષપાત વગર, કેવળ તર્ક અને માનવ સહજ વાસ્તવિકતાના ચશ્મામાંથી જોઈએ છીએ ત્યારે આ નિવેદન પાછળ છુપાયેલી સામાજિક કડવાશ અને જૈવિક સત્ય વચ્ચેનો તફાવત સ્પષ્ટ થવા લાગે છે.

સૌપ્રથમ તો જૈવિક અને વૈજ્ઞાનિક વાસ્તવિકતા એ છે કે પ્રકૃતિએ સ્ત્રી અને પુરુષના શારીરિક બંધારણ, હૉર્મોનલ ચક્ર અને પ્રજનન ક્ષમતાની વહેંચણી ચોક્કસ હેતુથી કરી છે. પ્રકૃતિનો આ નિયમ કાલ્પનિક ઇચ્છાઓથી બદલાવાનો નથી. તેથી ‘જો પુરુષોને પિરિયડ્સ આવે તો શું થાય’ એ પ્રશ્ર્ન વૈજ્ઞાનિક રીતે અર્થહીન છે, પણ સામાજિક અને માનસિક રીતે તે અત્યંત વિચારણીય છે. 

પ્રશ્ર્ન એ નથી કે પુરુષે શારીરિક રીતે એ લોહી અને અસહ્ય ખેંચાણની પીડા ભોગવવી પડે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે શું કોઈ પીડાને સમજવા માટે એ પીડામાંથી પોતે પસાર થવું ફરજિયાત છે? જો એવું જ હોય તો કૅન્સરના દર્દીની સારવાર કરતો ડૉક્ટર કે સરહદ પર ઘવાયેલા સૈનિકની સારવાર કરતો માનવી ક્યારેય એમની તકલીફ સમજી જ ન શકે. પુરુષત્વની ખરી કસોટી પીડા અનુભવવામાં નહીં, પરંતુ સ્વજનની પીડાને આત્મસાત કરીને તેની સપોર્ટ સિસ્ટમ બનવામાં છે.

આપણા સમાજમાં દાયકાઓથી પિરિયડ્સને એક એવો ગુપ્ત વિષય બનાવી દેવામાં આવ્યો છે. જેના વિશે ઘરમાં પણ ધ્રૂજતા અવાજે કે ઇશારામાં વાત થાય છે. બાળપણથી જ છોકરાઓને બહેન કે માતાના આ દિવસોથી દૂર રાખવામાં આવે છે, પિરિયડ્સના પૅડ કાળા ઝબલાં-પ્લાસ્ટિકને થેલી કે છાપામાં વીંટાળીને લાવવામાં આવે છે અને આ પ્રક્રિયાને માત્ર ‘સ્ત્રીઓની ખાનગી વાત’ કહીને પુરુષોની સમજણનો દરવાજો જ બંધ કરી દેવામાં આવે છે. 

પરિણામે મોટાભાગના પુરુષો પિરિયડ્સ પ્રત્યે કઠોર કે સંવેદનહીન નથી હોતા, પણ તે આને લઈને કેવળ અજ્ઞાની  હોય છે. તેમને એ વાતનો ખ્યાલ જ નથી હોતો કે આ માત્ર લોહી વહેવાની સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ તેની સાથે ડિપ્રેશન, હૉર્મોનલ ફેરફારો, અસહ્ય કમર અને પેટનો દુખાવો, પીસીઓએસ અને મૂડ સ્વિંગ્સ જેવી જટિલ શારીરિક-માનસિક સ્થિતિઓ જોડાયેલી હોય છે. પુરુષ જ્યારે આ પ્રક્રિયાના વિજ્ઞાનથી વંચિત રહે છે ત્યારે તે વર્કપ્લેસ પર કે ઘરમાં તેને ‘નાટક’ કે ‘મૂડ સ્વિંગ્સ’ ગણી લેવાની ભૂલ કરી બેસે છે.

શ્રુતિ હાસનના નિવેદનમાં વર્કપ્લેસ કલ્ચરને લઈને જે આક્ષેપ છે  તેનો એક તાર્કિક પક્ષ એ પણ છે કે પુરુષસત્તાક કે કૉર્પોરેટ માનસિકતામાં ‘દેખાતી ઈજા’ને તરત જ સ્વીકારવામાં આવે છે, જ્યારે ‘અદૃશ્ય પીડા’ને નકારવામાં આવે છે. જો કોઈ પુરુષ કર્મચારીને અકસ્માત થાય, ફ્રૅક્ચર થાય કે સર્જરી કરાવવી પડે તો કંપનીઓ તેને મહિનાઓની મેડિકલ લીવ સહજતાથી આપે છે, પરંતુ જે પીડા શરીરમાં અંદરથી થઈ રહી છે અને જેનું કોઈ બાહ્ય પટ્ટી કે પ્લાસ્ટર દેખાતું નથી તેને ઘણીવાર ગંભીરતાથી લેવામાં આવતી નથી. 

જોકે આ માનસિકતા માત્ર સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. પુરુષો પણ આ જ ટાસ્ક-ઓરિએન્ટેડ અને કઠોર વર્ક કલ્ચરના ભોગ બને છે. પુરુષો જ્યારે માનસિક તણાવ, બર્નઆઉટ કે ડિપ્રેશનમાંથી પસાર થાય છે ત્યારે તેમને પણ ‘પુરુષ થઈને રડે છે?’ કે ‘આટલામાં થાકી ગયો?’ કહીને તેમની અદૃશ્ય પીડાને નકારી દેવાય છે એટલે કે વર્કપ્લેસ પર અદૃશ્ય પીડા પ્રત્યેની સંવેદનહીનતા એ માત્ર સ્ત્રી-પુરુષનો ભેદભાવ નથી, પણ સમગ્ર કૉર્પોરેટ માનસિકતાની ખામી છે.

આ સ્થિતિમાં જો પુરુષ પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરે તો તેણે એ સમજવું પડે કે સ્ત્રી જ્યારે આવી આકરી માગણીઓ કે આક્રોશ વ્યક્ત કરે છે ત્યારે તેની પાછળ વર્ષોની અણસમજ અને તિરસ્કારનો અનુભવ હોય છે. જ્યારે કોઈ મહિલા ઑફિસમાં પીડાથી તરફડતી હોય અને તેને એમ કહેવામાં આવે કે ‘આ તો દર મહિનાનું છે... એમાં આટલો ડ્રામા કરવાની શું જરૂર છે?’ ત્યારે જ એ સ્ત્રીના મનમાં એવો વિચાર જન્મે છે કે જો આ પુરુષને પણ આ પીડા થતી હોત તો કદાચ એ આ શબ્દો ન બોલ્યો હોત. તેથી પુરુષોએ આવી ટિપ્પણીઓથી નારાજ થવાને બદલે એ વિચારવાની જરૂર છે કે આપણે એક સમાજ તરીકે ક્યાં ઊણા ઊતર્યા છીએ.

વાસ્તવિક અને લૉજિકલ ઉકેલ એ નથી કે પુરુષો પ્રકૃતિ સામે લડીને પિરિયડ્સની રાહ જુએ. સાચો ઉકેલ એ છે કે પુરુષ પોતાના પુરુષત્વને વધુ પરિપક્વ અને સંવેદનશીલ બનાવે. એક પિતા તરીકે પોતાના પુત્રને નાનપણથી જ પિરિયડ્સનું સાચું વિજ્ઞાન સમજાવવું, એક પતિ તરીકે ઘરમાં પિરિયડ્સના દિવસોમાં પત્નીને શારીરિક કામમાંથી મુક્તિ આપીને હૉટ વૉટર બૅગ કે દવા આપવાની સહજતા કેળવવી અને એક બાૉૅસ કે કો-વર્કર તરીકે ઑફિસમાં કામ કરતી મહિલા સહકર્મીની તકલીફને સમજીને તેને જરૂરી સ્પેસ આપવી એ જ ખરી મૅચ્યોરિટી છે.

આખરે કુદરતે સ્ત્રી અને પુરુષને એકબીજાનાં પૂરક બનાવ્યાં છે, હરીફ નહીં. સ્ત્રીની જૈવિક પીડાને પુરુષ અનુભવી શકતો નથી, પણ એ પીડાને સમજીને તેની પડખે ઊભા રહેવાની ક્ષમતા તો ઈશ્વરે પુરુષને આપી જ છે. શ્રુતિ હાસનના નિવેદનનો સકારાત્મક સાર એ જ હોવો જોઈએ કે પુરુષોને પિરિયડ્સ આવવાની કોઈ જ જરૂર નથી, બસ પુરુષોમાં પિરિયડ્સ અને સ્ત્રી સહજ પીડા પ્રત્યે માનસિક મૅચ્યોરિટી અને સંવેદના આવવી અત્યંત જરૂરી છે. જો આ સંવેદના આવી જશે તો કોઈ પણ કાયદા કે ’પિરિયડ લીવ’ના નિયમો વગર પણ સમાજ અને વર્કપ્લેસ વધુ માનવીય અને સુંદર બની જશે.