Wed Oct 14 2026

Logo

નમ્ર-વાણી વ્યાખ્યાન માળાઃ મારો એકરાર ગુરુ શરણે થઈશ પ્રતિજ્ઞાબદ્ધ!

2026-09-10 08:10:00
Author: Namramuni Maharaj Saheb
નમ્ર-વાણી વ્યાખ્યાન માળાઃ મારો એકરાર ગુરુ શરણે થઈશ પ્રતિજ્ઞાબદ્ધ!

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ


પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ રડતી આંખે, કાન પકડી, ભૂલોનો એકરાર કરી, ભૂલોનો સ્વીકાર કરી, ભાવોની વિશુદ્ધિ કરી, પ્રભુ સાથે એકાકાર થવા માટે હોય છે. પર્વાધિરાજ પર્યુષણમાં આપણે પાપ-દોષો, ભૂલો અને ક્ષતિઓના પ્રતિકમણ સાથે મનના વિચારોનું, મનથી કરેલાં doubts, blames, assumption અને imaginationsનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે એનો પ્રભુ સમક્ષ એકરાર કરી, મનને controlમાં રાખી, પ્રભુ સાથે એકાકાર થવાનું હોય છે.


મનને જીતનાર વ્યકિત સંસારને જીતી શકે છે. મનથી કરેલો એક નાનકડો વિચાર પણ તમારી ભવ પરંપરાને બદલી શકે છે. મન જ મોક્ષનું કારણ બની શકે છે અને મન જ સંસાર પરિભ્રમણ વધારી શકે છે. 


મુનિ બનેલા પ્રસન્નચંદ્રરાજાને ધ્યાનસ્થ અવસ્થામાં મગ્ન જોઈ, શ્રેણિક મહારાજા પ્રભુને પૂછે છે, પ્રભુ! આ આત્માની અત્યારે વિદાય થાય તો કઈ ગતિમાં જાય?

પ્રભુએ કહ્યું, રાજન! એ સાતમી નરકમાં જાય, કેમ કે અત્યારે બહારથી તેઓ ધ્યાનસ્થ છે, પણ મનથી પુત્રના રાગમાં છે અને દુશ્મન રાજા સાથે મનોમન યુદ્ધ કરી રહ્યા છે.


થોડી વાર પછી શ્રેણિકરાજા ફરી પૂછે છે, પ્રભુ! પ્રસન્નચંદ્ર મુનિ નરકગામી બને, એ વાત હું સ્વીકારી શકતો નથી.

પ્રભુએ કહ્યું, અત્યારે એમની વિદાય થાય તો તેઓ દેવલોકમાં જાય, કેમ કે અત્યારે એમને realise થઈ ગયું છે કે તેઓ રાજા નથી, સંસાર ત્યાગી મુનિ છે અને અત્યારે એ મનથી સતત પશ્ર્ચાતાપ કરી રહ્યા છે. પસ્તાવાના પાવન ઝરણામાં મનથી કરેલા વિચારો અને અશુભ ભાવોને ધોઈ રહ્યાં છે.


હજુ તો આ વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં જ મુનિને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ જાય છે. ‘ધન્ય છે... ધન્ય છે’નો નાદ ગુંજવા લાગે છે. 

મુનિ હોવા છતાં પળમાં નરકગામી, પળમાં દેવલોકગામી અને પળમાં કેવળજ્ઞાની... માત્ર ને માત્ર મનના વિચારોના કારણે!
 
મન શુભભાવમાં હોય તો સદ્ગતિ અને અશુભભાવમાં હોય તો દુર્ગતિ! 


માટે જ મનને controlમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે, ગુરુના શરણે સમર્પિત થઈ, ગુરુના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી, ગુરુ શરણે પ્રતિજ્ઞાબદ્ધ થવું! 

મોક્ષમાં પધારતાં પધારતાં પ્રભુએ મોક્ષ પ્રાપ્તિના જે 72 માર્ગ-સમ્યક્ પરાક્રમ ફરમાવ્યા છે એમાં એક માર્ગ પ્રતિજ્ઞાનો અથાત્ પચ્ચક્ખાણનો ફરમાવ્યો છે. 

પ્રતિજ્ઞાબદ્ધ થવાથી, મન ઉપર control રાખી શકાય છે. ચંચળ મનને સંયમમાં રાખી શકાય છે. મન આત્માના commandમાં આવી જાય છે.
 

ગુરુના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી, અહંકાર અને ઇચ્છાઓ છૂટવા લાગે છે. ડગુંમગું થતાં મનને પ્રતિજ્ઞાનું બળ પ્રાપ્ત થાય છે. 'I can'નો આત્મવિશ્વાસ આવી જાય છે અને મન strong બને છે.

મોટાભાગે આ કાળમાં વ્યક્તિઓ મનથી શુભ ભાવ અને શુભ સંકલ્પના બદલે વધારે સમય મનથી કોઈને ને કોઈને blame કરતા હોય છે, કોઈના ઉપર doubt  કરતા હોય છે. કાંઈ ને કાંઈ assumption  કરતા હોય છે અથવા imaginationમાં ખોવાયેલા રહેતા હોય છે.


માનો કે તમારું volet  કે jewellery  ન મળતી હોય તો સૌથી પહેલાં, servant  ઉપર doubt આવે કે મારાથી ક્યાંય મુકાઈ ગયું હશે, એ વિચાર આવે? 

મનથી જ મનની courtમા કોઈના ને કોઈના ઉપર doubt કરી,કોઈના પર blame બહુ સહજતાથી થઈ જાય છે. 

થોડી વાર પછી ખોવાયલી વસ્તુ તો મળી જાય છે, પણ થોડી વાર માટે કરેલો એ આક્ષેપ, એ doubt તમારા અનંતકાળને બગાડી શકે છે.


પર્વાવિરાજ પર્યુષણ મહાપર્વ એકરારના પર્યુષણ છે. આજે, આજ સુધી જેના માટે, જે માની લીધું છે, જે ધારી લીધું છે, જેના માટે જે-જે કલ્પનાઓ કરી છે, મનની courtમાં ગુના વગર જેને-જેને ગુનેગાર માની લીધા છે, તે બધાનો એકરાર કરી, એ બધા વિચારોનું, ભાવોનું, કલ્પનાઓનું तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणंं वोसिरामि  કરી ધ્યો અને પ્રભુની સાથે કરાર કરી લ્યો પ્રભુને વચન આપી ધ્યો કે, પ્રભુ! એકરાર કર્યા પછી હવે જ્યારે હું આપને નમન કરીશ ત્યારે આપનું અને મારું મન એક થઈ જશે અને પ્રભુ, ત્યારે મારો ભક્ત ધર્મ સાર્થક થઈ જશે.
 

ઘણાનો મનમાં કોઈ ને કોઈ વાત કે વસ્તુનો fear હોય. મોટા ભાગે fear imaginationનો હોય. મને આમ થઈ જશે તો? મારી job જતી રહેશે તો? મને bussinesમાં loss  થશે તો? મારાં સંતાનો મારુંનહીં માને તો?

Fear પણ એક પ્રકારનો મનનો દોષ છે. ભગવાને fearને, ભયને પાપ કહ્યો છે. હિંસાનું પાપ આપણને પાપ લાગે છે, પણ ‘ભય’ પાપ લાગતું નથી.


જેનામાં સ્વાર્થ અને સુખબુદ્ધિ વધારે હોય એનામાં fear વધારે હોય.

ભય આપણને ભગવાનથી અને ભગવાનના ગુણોથી દૂર લઈ જાય છે. 

જ્યાં સુધી વ્યક્તિ ભયમુક્ત નથી થતી ત્યાં સુધી તે ભગવાન બનવાની રાહ પર નથી આવી શકતી. 

ભયથી મુક્ત થવાનો ઉપાય શું?
ભયથી મુક્ત થવાના બે ઉપાય છે.

1. ભયની સામે મહાભય લાવો.

જેમને અંધારાથી ડર લાગે છે એમને થોડીવાર અંધારામાં એકલા રાખો.

2. અનન્ય શરણદાતા એવા પ્રભુ કે ગુરુના શરણમાં surrender  થઈ જાવ.

જે surrender હોય તેને ક્યારેય કોઈનો ડર ન હોય!


ભયમુક્તિનો બીજો એક ઉપાય છે, નમોત્થુણંની આરાધના! नमोत्थुणની આરાધના થાય, એટલે વ્યક્તિમાં નિર્ભયતા, શૂરવીરતા અને અડગતા આવી જાય.

મનમાંથી ભય નીકળે તે શ્રેષ્ઠ છે પણ ભયનું કારણ નીકળી જાય તે સર્વશ્રેષ્ઠ!
 

ભયભીત વ્યક્તિ જ્યારે પ્રભુના કે ગુરુના શરણમાં સમર્પિત થાય છે, surrender થાય છે ત્યારે ગુરુ એના ભયને તો દૂર કરાવે છે, પણ પ્રતિજ્ઞા દ્વારા ભયના કારણને અને ભયના કારણે જે કર્મબંધ થતાં હોય તેનો પણ ક્ષય કરાવે છે. મન પર વિજય પ્રાપ્ત કરાવે છે. 


જે મન મોક્ષ અપાવી શકે છે એ જ મનને અયોગ્ય વિચારો કરીને સંસારનું કારણ બનાવી દીધું છે. 

એ દરેક પાપ કરી, અયોગ્ય વિચારોનું પ્રતિક્રમણ કરી, પ્રભુ સમક્ષ એકરાર કરી, મનને નિર્મળ બનાવી, દોષ વિશુદ્ધિની સાધના દ્વારા પર્યુષણ મહાપર્વને સાર્થક કરવા જોઈએ.

જયારે-જ્યારે મન મળ્યું ત્યારે- ત્યારે પ્રભુ સાથે મન ન મળ્યું એટલે આજે પ્રભુથી દૂર... દૂર... દૂર છીએ.


જ્યારે-જ્યારે મન મળ્યું ત્યારે-ત્યારે મન મળ્યું વ્યક્તિમાં, પદાર્થમાં અને સુખના ભોગમાં!     

મનના દોષોનો એકરાર કરી, પ્રભુ સાથે કરાર કરવાનો છે કે પ્રભુ, હવે આ મન તારા સિવાય કોઈની સાથે નહીં મળે. 

પ્રભુ! ગુરુમુખે પ્રતિજ્ઞા ગ્રહણ કરી, મારા મનને ઇચ્છાઓથી અને ભયથી મુક્ત બનાવી, ગુરુ શરણે સમર્પિત થઈ, મારું મન, મારું ‘મન’ ન રહે એવું ‘ન-મન’ બનાવી, તારા ચરણે નમન કરીશ, જેથી તારું અને મારું મન એકરાર થઈ જાય!