અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો અને સારો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરે લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમો સક્રિય થવાને કારણે મેઘરાજા ફરી મહેરબાન થશે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 13 સપ્ટેમ્બરે રાજ્યના 21 જિલ્લાઓમાં અને 14 સપ્ટેમ્બરે 18 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં સિઝન દરમિયાન રાજ્યમાં વરસાદની 19 ટકા જેટલી ઘટ છે, ત્યારે આ સક્રિય થતી સિસ્ટમથી ખેતી પાકોને નવું જીવનદાન મળશે અને જળસંચયની આશાઓ પણ ઉજળી થશે.
ધ્રોલમાં 2.33 ઇંચ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 2.33 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના મહુવામાં 0.94 ઇંચ, કચ્છના અબડાસામાં 0.63 ઇંચ, ભાવનગરના જેસરમાં 0.63 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતાં ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 12 થી 15 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ અરબી સમુદ્ર તરફ આગળ વધશે, જેની અસર ગુજરાતમાં વિવિધ જગ્યાએ જોવા મળશે. હવામાન ખાતા મુજબ, રાજ્યોમાં આગામી 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન લો પ્રેશર સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે. 12 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 13 સપ્ટેમ્બરે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાદ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ દરમિયાન વરસાદ પડી શકે છે.
Ambalal Patel Forecast | ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા | Weather Update Gujarat#gujaratweather #ambalalpatel #gujaratrain #rainforecast #monsoon2026 #gujaratrainupdate #ambalalpatelagahi #WeatherUpdateGujarat #gujaratnews #rainingujarat #shorts… pic.twitter.com/zwutmD6yxb
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 9, 2026
અંબાલાલે શું કરી આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું, હાલ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ છે. વરસાદી ઝાપટાં, વાદળછાયું વાતાવરણ અથવા છાંટા પડવાની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર નોંધાશે. ખાસ કરીને ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે અન્ય ભાગોમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું, આ વખતે ઉત્તર બંગાળના ઉપસાગર શાખાનું ભેજ વહન પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચીને ઉત્તર-પૂર્વ ભારત તરફ આગળ વધ્યું છે. તેના છૂટાછવાયા વાદળોના પ્રભાવ હેઠળ ગુજરાતના વાતાવરણમાં આ પલટો જોવા મળી રહ્યો છે.
પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિવાય પવનની ગતિમાં ઘટાડો થવાથી સિસ્ટમને ગુજરાત તરફ આવવામાં પવનનો અવરોધ નહીં નડે , જેના કારણે આગામી 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. ભાદરવા મહિના દરમિયાન વાતાવરણ અનુકૂળ બનતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ સારો વરસાદ વરસી શકે છે.
પોરબંદર, દ્વારકા, જામનગર સહિત સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ શરૂ થવાની સંભાવના છે.વરસાદની ઘટ અનુભવી રહેલા કચ્છ વિસ્તારમાં પણ આ સિસ્ટમના લીધે રાહતરૂપ ઝાપટાં કે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળો અને સિસ્ટમની અસરથી વરસાદ નોંધાઈ શકે છે.