Thu Sep 03 2026

Logo

ફૂટબૉલરનું મેદાન પર મૃત્યુઃ થોડા દિવસ પહેલાં જ ઇંગ્લૅન્ડથી સ્વદેશ પોર્ટુગલ પાછો આવ્યો હતો

Lisbon   2026-08-23 16:23:55
Author: Ajay Motiwala
ફૂટબૉલરનું મેદાન પર મૃત્યુઃ થોડા દિવસ પહેલાં જ ઇંગ્લૅન્ડથી સ્વદેશ પોર્ટુગલ પાછો આવ્યો હતો

JAVIER DOMÍNGUEZ / RYAN MITCHELL (RIP Quevin Castro)


લિસ્બનઃ પોર્ટુગલ (Portugal)ના યુવાન ફૂટબૉલ ખેલાડી કેવિન કૅસ્ટ્રોનું સ્થાનિક ફૂટબૉલ મૅચ દરમ્યાન મૃત્યુ થયું હોવાનું લિસ્બન ફૂટબૉલ અસોસિયેશને શનિવારે જાહેર કર્યું હતું. તે પચીસ વર્ષનો હતો અને ક્લબ ટૂર્નામેન્ટની એક ફ્રેન્ડલી મૅચ દરમ્યાન તે અચાનક ઢળી પડ્યો હતો અને ટૂંકી સારવાર બાદ ડૉક્ટરે તેને મૃત (Death) જાહેર કર્યો હતો.

કેવિન ક્રૅસ્ટો થોડા જ દિવસ પહેલાં ઇંગ્લૅન્ડથી પાછો આવ્યો હતો. ત્યાં તે ઇંગ્લિશ ફૂટબૉલની કેટલીક ક્લબ વતી રમ્યો હતો અને વર્તમાન સીઝન પહેલાં જ પોર્ટુગલ પાછો આવ્યો હતો.

કેવિન જ્યારે રિયલ સ્પોર્ટ ક્લબ વતી એસ્ટ્રેલા ડા ઍમન્ડોરા સામેની મૅચમાં રમવા મેદાન પર આવ્યો ત્યારે તેની તબિયત સારી હતી, પણ થોડી જ વારમાં તે અસ્વસ્થ થઈ ગયો હતો. તે મેદાન પર ઢળી પડતાં તાબડતોબ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા, તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેના મૃત્યુને પુષ્ટિ આપવામાં આવી હતી.

કેવિને કરીઅરનો મોટા ભાગનો સમય ઇંગ્લિશ ફૂટબૉલમાં વીતાવ્યો હતો જ્યાં તે ચેલ્સીની અન્ડર-23 ટીમ ઉપરાંત બીજી કેટલીક જાણીતી ક્લબ વતી રમ્યો હતો.