ઍમ્સ્ટલ્વીનઃ ભારતની અહીં યજમાન નેધરલૅન્ડ્સ સામે મેન્સ હૉકી (Hockey) વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડના મુકાબલામાં 1-3થી હાર થઈ હતી. હવે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા ભારત (India) ઇચ્છશે કે આર્જેન્ટિનાને ઇંગ્લૅન્ડ ન હરાવે. જો એવું નહીં થાય તો સેમિ ફાઇનલની ભારતની આશા પર પાણી ફરી વળશે.
નેધરલૅન્ડ્સ ઑલિમ્પિક ચૅમ્પિયન છે અને એની સામે જીતવું હરમનપ્રીત સિંહ ઍન્ડ કંપની માટે ખૂબ મુશ્કેલ હતું. ભારત વતી એકમાત્ર ગોલ કૅપ્ટન હરમનપ્રીતે બાવનમી મિનિટમાં પેનલ્ટી કૉર્નરની મદદથી કર્યો હતો.
પહેલા બે ક્વૉર્ટર રસાકસીભર્યા અને ગોલ વિનાના ગયા હતા, પરંતુ ત્રીજા ક્વૉર્ટરમાં નેધરલૅન્ડ્સની ટીમ ભારતીયો પર ત્રાટકી હતી અને ઉપરાઉપરી ત્રણ ગોલ કર્યા હતા.
યજમાન ટીમ વતી ત્રણ ગોલ ડુકૉ ટેલગેનકેમ્પ (41મી મિનિટમાં), જેપ હૉડેનમેકર્સ (51મી મિનિટમાં) અને થિસ વૅન ડૅમ (પંચાવનમી મિનિટમાં)એ કર્યો હતો.