ઊજવણીનો માહોલ ફેરવાયો માતમમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભૂલેશ્ર્વરમાં સ્થાનિક રહેવાસીઓ પોતાના ગણપતિબાપ્પાને આવકારવાની તૈયારીમાં લાગ્યા હતા ત્યારે આટલી મોટી દુર્ઘટના થશે, તેનો કોઈએ સપનામાં પણ વિચાર નહીં કર્યો હતો. શનિવાર મોડી રાત સુધી જયાં ઉત્સવની ઊજવણીનો માહોલ હતો ત્યાં રવિવારના સ્થાનિક રહેવાસીઓ અને મંડળના કાર્યકર્તા અને રાજકીય પક્ષના સભ્યો યુવા મંડળના પ્રમુખ સંકેત નેવશેને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
અખિલ ભુલેશ્ર્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ‘ભૂલેશ્ર્વરચા રાજા’ના આગમન દરમ્યાન શનિવારે મોડી રાતે બાવીસ ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ તૂટી પડી હતી, જેમાં બેના મોત અને સાત જખમી થયા હતા.
મૃતકોમાં મંડળના પ્રમુખ સંકેત નેવશેનું મૃત્યુ થયું હતું. શનિવાર સુધી અહીં સ્થાનિક રહેવાસીઓની સાથે જ દુકાનદારો, કાર્યકર્તાઓ ગણેશજીના આગમનને ધૂમધામથી આવકારવાની તૈયારીમાં મગ્ન હતા, તે જ ૧૨ કલાકની અંદર રવિવારે સવારે ભારે ગમગીન હૃદયે સંકેત નેવશે અને બ્રિજેશ જોશીના નિધન પગલે ઊજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. સંકેત અને બ્રિજેશ બંનેના રવિવારે મરીન લાઈન્સમાં આવેલા ચંદનવાડી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં તેમના પરિવારના સભ્યો, મિત્રો, સ્થાનિક રહેવાસીઓ અને રાજકીય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સ્થાનિક નગરસેવક આકાશ પુરોહિતે શનિવારે થયેલા અકસ્માત બાબતે જણાવ્યું હતું કે ભાયખલાના કારખાનામાંથી મૂર્તિ જયારે લેવા પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓને તે થોડી ઢીલી અને અસ્થિર હાલતમાં જણાઈ આવી હતી. જોકે તેઓએ ગણેશમૂર્તિને મંડપમાં લાવ્યા બાદ તે બાબતે યોગ્ય પગલા લેવાનું નક્કી કર્યું હતું. બાવીસ ફૂટ ઊંચી અને લગભગ અઢી ટન વજનની મૂર્તિ પંડાલથી માંડ ૩૦૦ મીટર દૂર હતી ત્યારે અચાનક તે આગળની તરફ ઝૂકી ગઈ હતી. આ મૂર્તિને ખાસ બનાવેલા પ્લેટફોર્મ પર બેસાડવામાં આવી હતી અને સ્ટીલ ફ્રેમનું વેલ્ડિંગ જે તેને પાછળથી ટેકો આપે છે તે અચાનક તૂટી પડયું હતું. હજી કંઈ કોઈ સમજે તે પહેલા જ મૂર્તિ આગળની તરફ તૂટી પડી હતી. પ્રાથમિક દૃષ્ટિએ વેલ્ડિંગ યોગ્ય રીતે કરાયું નહોતું એવું જણાઈ આવ્યું હતું.
નગરસેવકે વધુમાં જણાવ્યું હતું કે ટ્રોલી પર ત્રણ લોકો હતા, તેઓ મૂર્તિને સ્થિર રાખવામાં મદદ કરી રહ્યા હતા ત્યારે અચાનક તે પડવા લાગી હતી. ટ્રોલી પર રહેલા ત્રણમાંથી એક જીવન મણિપેલે શું થઈ રહ્યું છે તે સમજી ગયો હતો અને સમયસર ટ્રોલીમાંથી કૂદી પડવામાં સફળ રહ્યો હતો પણ સંકેત નેવશે અને મંડળનો અન્ય કાર્યકર્તા મૂર્તિની સાથે નીચે પડી ગયા હતા અને કચડાઈ ગયા હતા. સંકેત અખિલ ભુલેશ્ર્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ટ્રસ્ટના પ્રમુખ હતા અને તેઓ ચીરા બજારમાં રહેતા હતા અને શાકભાજીનો હોલસેલનો વ્યવસાય કરતા હતા.
પ્રત્યદર્શીઓના કહેવા મુજબ મૂર્તિને નીચે પડતી અટકાવવાનો સંકેતે પ્રયાસ કર્યો હશે, જેમાં મૂર્તિમાં રહેલા ધાતુના સળિયાથી તે વીંધાઈ ગયો હશે. તો અમુકના કહેવા મુજબ મૂર્તિની સામે ઊભાં રહેલાં બાળકોને બચાવવા માટે તે આગળ ઘસી ગયો હશે, જેમાં બાળકોને બચાવવામાં તે મૂર્તિ નીચે આવી ગયો હતો.
આ દુર્ઘટનામાં ૩૦ વર્ષના બ્રિજેશ જોશીનો પણ જીવ ગયો હતો, જેઓ ઍક્સિડન્ટ સ્પોટથી થોડા અંતરે જ આવેલા શ્રીપતિ આરાધનામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. બ્રિજેશ બિલ્િંડગના સાતમા માળા પર પત્ની રીમા અને તેના પુત્ર સાથે રહેતા હતા. બ્રિજેશ મંડળ સાથે વર્ષોથી સંકળાયેલા હતા. પરિવારમાં તેઓ એકમાત્ર કમાવનારી વ્યક્તિ હતા.