મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા નહીં આવડવાને કારણે ઓટો અને ટેક્સીચાલકોના લાઇસન્સ રદ કરવા અને કાર્યવાહી કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર માત્ર વ્યવહારું મરાઠી ભાષાના જ્ઞાનનો આગ્રહ રાખે છે અને કોઈ પણ હિન્દી ભાષી પર અન્યાય થવા દેવામાં આવશે નહીં. ભાષા શીખવા માટે જરૂર પડશે તો મુદત પણ લંબાવવામાં આવશે.
આજે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન જયારે રાજ્યમાં મરાઠી ભાષા ન બોલી શકતા રિક્ષા ટેક્સીચાલકો વિરુદ્ધ કાર્યવાહી વધી રહી છે ત્યારે, ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ હિન્દી ભાષી ભાઈ સાથે કે કોઈની પણ સાથે મરાઠી ભાષાના મુદ્દે અન્યાય નહીં થવા દઈશું નહીં.
ફડણવીસે જણાવ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે હિન્દી ભાષી એકદમ ફાંકડું મરાઠી બોલે પણ અમારો માત્ર એટલો જ પ્રયાસ છે કે તેમને વ્યવહારું મરાઠી ભાષા આવડવી જોઈએ. તેમને મરાઠી ભાષા શીખવાડવા માટે અમે ઘણી છૂટ આપી છે. બે વખત મુદત વધારી છે અને જરૂર પડશે તો આ મુદત હજી એક વાર પણ વધારવામાં આવશે.
આગળ આ મુદ્દે જણાવતા ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે, અમારો ઉદ્દેશ્ય માત્ર વ્યવહારુ મરાઠી ભાષાના જ્ઞાન સુધી સીમિત છે. અમે કોઈ પણ હિન્દી ભાષી ભાઈઓ સાથે આ મુદ્દે ગમે તે થાય અન્યાય નહીં થવા દઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે મરાઠી ભાષા ન આવડે તેવા ચાલકો પર હાલ પરિવહન ખાતા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. તેમના લાઇસન્સ પણ સસ્પેન્ડ કરાઈ રહ્યાં છે. તેના સિવાય તેમની પરીક્ષા લેવાની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે.
મહિલા અનામત મુદ્દે ચિદમ્બરમ અને ફડણવીસ આમને-સામને
મહિલા અનામત બિલને લઈને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. ફડણવીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર મહિલા અનામત બિલનો વિરોધ કરવાનો અને તેની વિરુદ્ધ મતદાન કરવાનો આક્ષેપ કર્યા બાદ ચિદમ્બરમે સોશિયલ મીડિયા પર ફડણવીસને આકરો જવાબ આપ્યો હતો.
‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમ મુદ્દે ફડણવીસે મહિલાઓના સશક્તિકરણ માટે મહિલા અનામત બિલને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી આ બિલના વિરોધમાં હતા અને તેમણે તેની વિરુદ્ધ મતદાન પણ કર્યું હતું. ફડણવીસના આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી.
ચિદમ્બરમે ફડણવીસના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કદાચ આ નિવેદન ‘કૉગ્નિટિવ ફેટિગ’ એટલે કે માનસિક થાકને કારણે આવ્યું હશે. તેમણે યાદ અપાવ્યું કે બંધારણના 106મા સુધારા બિલને 2023માં સંસદે પસાર કર્યું હતું. આ કાયદા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
ચિદમ્બરમના જવાબ બાદ ફડણવીસે પણ પલટવાર કર્યો હતો. તેમણે ચિદમ્બરમ પર ‘સિલેક્ટિવ મેમરી’ એટલે કે પસંદગીની યાદશક્તિનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે ચિદમ્બરમે જે 106મા બંધારણીય સુધારા અધિનિયમ, 2023ને વાંચ્યો અને તેના માટે મત આપ્યો હતો, તેમાં જ મહિલા અનામત લાગુ કરવા માટે કેટલીક પૂર્વશરતો રાખવામાં આવી છે.
ફડણવીસે દલીલ કરી હતી કે કોવિડ-19 મહામારીના કારણે જનગણનામાં વિલંબ થયો હતો. 2011 પછીની જનગણના અને ત્યારબાદની સીમાંકન પ્રક્રિયાની રાહ જોવામાં આવે તો 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મહિલા અનામતનો અમલ કરવો મુશ્કેલ બની શકે છે. તેમના જણાવ્યા અનુસાર આ મુદ્દાને ધ્યાનમાં રાખીને 2026માં નવી કાયદાકીય પહેલ કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે 2011ની પહેલેથી પ્રકાશિત જનગણનાના આંકડાઓના આધારે સીમાંકન કરવાની લોકસભાની બેઠકોની સંખ્યા વધારવાની અને 2029ની ચૂંટણી પહેલાં મહિલા અનામત લાગુ કરવાની દિશામાં આ પહેલ કરવામાં આવી હતી. ફડણવીસે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસે આ પ્રયાસનો વિરોધ કરીને સંસદમાં તેને નિષ્ફળ બનાવ્યો અને તેના કારણે 2029 પહેલાં મહિલા અનામત લાગુ કરવાનો માર્ગ અવરોધાયો.
મહિલા અનામત જેવા મહત્વપૂર્ણ મુદ્દે બંને નેતાઓ વચ્ચે થયેલા આ વાકયુદ્ધને કારણે ફરી એકવાર રાજકીય ગરમાવો વધ્યો છે. એક તરફ કોંગ્રેસ 2023માં પસાર થયેલા 106મા બંધારણીય સુધારાનો ઉલ્લેખ કરી રહી છે તો બીજી તરફ ફડણવીસ તેનો અમલ, જનગણના અને સીમાંકન સાથે જોડાયેલી શરતોને આગળ ધરી રહ્યા છે. હવે બંને પક્ષના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે મહિલા અનામતના અમલનો મુદ્દો આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.