(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે વધતા ફુગાવાને અંકુશમાં લાવવા કપરાં ચઢાણ કરવાં પડશે એમ જણાવી તંગ નાણાનીતિનો સંકેત આપતા બજાર વર્તુળોમાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર વધારે તેવી ભીતિ સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સોનામાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી એક ટકા જેટલો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સપ્તાહના આરંભે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 6693નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3728થી 3743નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 6693ના ઘટાડા સાથે રૂ. 2,37,199ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદને કારણે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે ડૉલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી આયાત પડતરો ઘટવાને કારણે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3728 ઘટીને રૂ. 1,55,211 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3743ના ઘટાડા સાથે રૂ. 1,55,835ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 4448.19 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 4498.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી એક ટકાના સુધારા સાથે આૈંસદીઠ 67 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
બે ટકા ફુગાવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેન્દ્રવર્તી બૅન્કે નક્કર કાર્ય કરવું પડશે, એમ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષના જેક્શન હૉલ ખાતેના વક્તવ્યમાં જણાવતા ગત શુક્રવારે સોનાના ભાવમાં ગત 10મી જૂન પછીનો સૌથી મોટો એક દિવસીય ધોરણે ત્રણ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. એકંદરે અધ્યક્ષની આ ટિપ્પણીને ધ્યાનમાં લેતા સોનાના ભાવ દબાણ હેઠળ રહેશે. વધુમાં અમેરિકા ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારાની ચિંતા પણ દબાણમાં વધારો કરશે, એમ એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનાના ભાવ ફરી આૈંસદીઠ 4600 ડૉલરની સપાટી અંકે કરે તે માટે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવવાની સાથે અખાતી દેશોનો તણાવ હળવો થવો જરૂરી છે.
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી 60 ટકા શક્યતા જોઈ રહ્યા હતા. જોકે, અગાઉ માત્ર 36 ટકા શક્યતા જોવાઈ રહી હતી. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે સોનાના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો આવ્યો હોવા છતાં આજે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં માસિક ધોરણે ગત જાન્યુઆરી પછીનો સૌથી મોટો 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, હવે રોકાણકારોની નજર સપ્તાહના અંત આસાપસ જાહેર થનારા અમેરિકાના એડપી રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે.