Tue Sep 01 2026

Logo

ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ

2026-08-31 19:35:59
Author: Ramesh Gohil
ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ જેમ કે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચર, લીડ ઈન્ગોટ્સ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો અને સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ટીનમાં કિલોદીઠ રૂ. 14નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિયિમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ.બેથી ત્રણનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 14 ઘટીને રૂ. 5411ના મથાળે રહ્યા હતા. આ સિવાય નિરસ માગ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી રહેતાં કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. 1350, લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. 204 અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1375, રૂ. 1365 અને રૂ. 350ના મથાળે રહ્યા હતા. 

જોકે, આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. 1268 અને રૂ. 425 તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 307ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, કોપર વાયરબાર અને નિકલમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 985, રૂ. 950, રૂ. 1460 અને રૂ. 1643ના મથાળે ટકેલા રહ્યા હતા.