Mon Sep 07 2026

Logo

મેસીએ સપાટો બોલાવ્યો, કારકિર્દીમાં આઠમી વખત મૅચમાં ચાર કે વધુ ગોલની સિદ્ધિ

Miami   2026-08-30 19:48:20
Author: Ajay Motiwala
મેસીએ સપાટો બોલાવ્યો, કારકિર્દીમાં આઠમી વખત મૅચમાં ચાર કે વધુ ગોલની સિદ્ધિ

માયામીઃ 2022 ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન-કૅપ્ટન અને 2026 વિશ્વ કપના રનર-અપ સુકાની લિયોનેલ મેસીએ એક મૅચમાં ચાર કે વધુ ગોલ કર્યા હોય એવી તેની કરીઅરની આઠમી અસાધારણ ઘટના શનિવારે અમેરિકાના માયામી શહેરમાં મેજર લીગ સૉકર (MLS)માં બની હતી જેમાં તેણે ઇન્ટર માયામી વતી સીએફ મૉન્ટ્રિયલ સામેની મૅચમાં ઉપરાઉપરી ચાર ગોલ કર્યા હતા.

39 વર્ષીય મેસી (Messi)એ એમએલએસની એક મૅચમાં ચાર ગોલ કર્યા હોય એવું પહેલી જ વખત બન્યું છે. તેના આ ચાર ગોલની મદદથી માયામીએ મૉન્ટ્રિયલ સામે 7-1થી વિજય મેળવ્યો હતો. ઇન્ટર માયામીએ એક મૅચમાં સાત ગોલ કર્યા હોય એવું પણ પ્રથમ વખત બન્યું છે. આ સાત ગોલમાંથી એક ગોલ એવો હતો જેમાં મેસીએ ગોલ કરવામાં સાથી ખેલાડી લુઇસ સુઆરેઝને મદદ કરી હતી. મેસીએ ચારમાંથી ત્રણ ગોલ (હૅટ-ટ્રિક) 45 મિનિટના બીજા હાફમાં કર્યા હતા.

મેસીના ચાર ગોલ છેલ્લે 2020માં

મેસીએ માયામીની ટીમ વતી એક મૅચમાં ચાર ગોલ કર્યા હોય એવું પણ પહેલી જ વખત બન્યું છે. છેલ્લે તેણે મૅચમાં ચાર ગોલ 2020ની સાલમાં સ્પેનના લા લિગા લીગમાં બાર્સેલોના વતી એઇબાર ક્લબની ટીમ સામેની મૅચમાં કર્યા હતા.

કોચ વિનાની મૅચ

ઇન્ટર માયામીના કોચ ગિલેર્મો હૉયોસને તાજેતરમાં પોતાની ટીમને મેદાન પર મૅચ માટે સમયસર ન પહોંચાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શનિવારે મેસીના સુકાનમાં ઇન્ટર માયામીની ટીમ કોચ વગર રમી હતી. આ ટીમને પચીસમી જુલાઈ પછી પહેલી વખત જીત મળી છે અને લાગલગાટ પાંચ મૅચમાં વિજય ન મેળવી શકનારી આ ટીમ હવે ફરી જીતના માર્ગ પર આવી ગઈ છે.