Tue Sep 08 2026

Logo

મોજની ખોજઃ લો, પધાર્યા ઠાકરના આંગણે ઠાકોર...

2026-09-01 09:12:00
Author: Subhash Thaker
મોજની ખોજઃ લો, પધાર્યા ઠાકરના આંગણે ઠાકોર...

સુભાષ ઠાકર

મારી લાઇફ સાથે જોડાયેલી વાઈફ નામે સરોજની આંખમાં આજે પૃથ્વીના ગોળામાં દેખાતી લાલ રેખાઓ
જેવી ટસરો જન્મ લઇ ચુકી હતી એના ચોરસ ચહેરા પર ક્રોધિત મુદ્રાઓ અંકિત થઇ ચુકી હતી. ત્યાં જ ‘ટીંગ ટોંગ’ ડોરબેલ રણકી ને મને પાછી પેટમાં ફાળ પડી, પાછો ઉઘરાણીવાળો હશે તો? આ છેલ્લી ત્રીસ મિનિટમાં 28 ઉઘરાણીવાળા આવી ગયા એટલે મેં તો અંદરથી જ પૂછ્યું ‘કો..ણ?’

‘એ તો હું.’
‘અરે ‘હું’ની માસી, તારા ફૈબા નામ પાડ્યા વગર જ ગુજરી ગયા કે નામ જ ‘હું’ છે?’
‘હવે નામની ફૈબા થયા વગર તમે બારણું ખોલોને.’
મેં બારણું ખોલ્યું ને સરોજની સહેલી ઈલા અંદર પ્રવેશી બોલી :
‘સરોજ, શું થયું? કેમ આમ કોઈના તાજા મરણના તાજા બેસણામાં બેઠી હોય એવી ગંભીર મુખમુદ્રા ધારણ કરીને બેઠી છે?’

‘કોઈના? અરે કોઈના શું, મારા જ બેસણામાં બેઠી છું. શું કરવું છે તારે?’ સરોજ ભડકેલ મૂડમાં બોલી ‘શું કઉં તને. એક જમાનામાં હું આતુરતાથી કલ્લાકોના કલ્લાકો જેની વાટ જોતા થાકતી નહોતી એને જ આજે મારી જિંદગીની વાટ લગાડી દીધી...’ એટલું બોલી ત્યાં તો નાનકડાં દરમાંથી ઉંદર પોતાની ડોકી બહાર કાઢે એમ એની આંખમાંથી આંસુનું ટીપું ટપક દઈને બહાર ટપક્યું.

‘સરોજ તું રડ નઈ, બોલ શું થયું?’
‘હું રડતી નથી ઇલુ, મને રડાવવામાં આવી રહી છે છતાં તું કહે તો લે આ સ્ટોપ. બસ? ઇલુ, આ જન્માષ્ટમીએ મારા ગોરધનને બોત્તેર વર્ષે સોસાયટીની ફેન્સી ડ્રેસની હરીફાઈમાં કૃષ્ણ બનવાના ધખારા ઉપડ્યા છે. મેં સમજાવ્યા કે ‘હે મેરે પથ્થરકે સનમ, આ ઉંમરે ને એ. કે. હંગલની બોડીમાં કૃષ્ણ ન બનાય. રામ કે શંકર બનાય. જેમ શોભતું હોય એમ શોભે.. કોઈ ભગવાને ક્યારેય ભક્ત બનવાની જીદ કરી? નઈને? ઠાકોરજી ક્યારેય બોલ્યા મારે ઠાકર બનવું છે’ ત્યાં ફરી ડોરબેલ વાગી ને વાંસળી પર ગીત સંભળાયું ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે જોલી.’

અરે આ તો સાક્ષાત કૃષ્ણકાન્ત વાસુદેવ યાદવ લાગે છે. ઠાકરના આંગણે ઠાકોર. હું તો રાજીરાજી થઇ ગયો. જોયું? ભગવા ન પહેરો તોયે ભગવાન મળે એ આનું નામ. પણ સાલું આપણું ઘર ભરવાવાળાની જોળીમાં આપણે શું ભરવાના? આપણે તો દીકરાની ફી સમયસર નથી ભરી શકતા તો ભગવાનની જોળી... એકવાર તો વિચાર આવ્યો કે કહી દઉ પ્રભુ તારી જોળીમાં ભરવા માટે અમારી પાસે દુખ, ગમ, પીડા, વેદના,આંસુ, મજબુરી, લાચારી બચ્યાં છે એ ભરવા તારી મોટી જોળી પણ નાની પડશે. 

મેં પૂછ્યું ‘પ્રભુ આપ મારે આંગણે ક્યાંથી?’
‘ક્યાંથી એટલે. ગોકુળથી ઇસ્કોનના મંદિરે આવેલો મને થયું કે તને પણ...’

‘પ્રભુ..પ્રભુ..પ્રભુ મારા તો માન્યામાં જ નથી આવતું કે આ સપનું છે કે હકીકત? છેલ્લા દસ વર્ષથી ભીડમાં ઊભા-ઊભા મારું ગળું બેસી જાય ને સ્વરપેટીની પથારી ફરી જાય ત્યાં સુધી ગાયુ ‘મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો’ છતાં તે ન મારી સામે જોયું કે ન મારો ભાવ પૂછ્યો...’

‘એય ઠાકરિયા, ડોબા તું આંખ બંધ કરીને મંડી પડે છે ‘મંગલ મંદિર ખોલો’ પણ એકવાર જો આંખ ખોલી હોત તો ખબર પડત કે મારા મંદિરને બારણાં જ નથી. એવરીબડી વેલકમ. યુ નો આ બારણાંની શોધ થઇ ત્યારથીજગતની વાટ લાગી ગઈ. ચલ,  હવે તું બારણું ઉઘાડ ક્યાં સુધી બહાર...’

‘ઠીક છે. પણ આઈડી પ્રૂફ માટે આધારકાર્ડ લાવ્યા છો? ભગવાન છો એનું કોઈ સોલીડ પ્રૂફ.’
‘કમાલ છે તું મારી પાસે આધારકાર્ડ માગે છે? તું તો રોજ ગાય છે ‘મેરો તો આધાર શ્રી વલ્લભકે ચરણારવિંદ.’ તો મારું આધાર કાર્ડ તો તારી પાસે હોય જ. છતાં આ મુગટ, વાંસળી, સુદર્શનચક્ર, મોરપીંછ આ બધું આઈડી પ્રૂફ નથી તો શું છે. છતાં સંતોષ ન હોય તો હું નીકળું. આ તો તારો પત્ર મળ્યો કે મંદિરમાંથી નીકળી ક્યારે મળવા આવે છે એટલે...’

‘એક મિનિટ. હું બારણું ખોલું છું પણ એક શરતે. ચોખ્ખી વાત કહું તો તમારો ‘હું’ નામનો ઈગો બહાર છોડી આવવાનો. પૂજાવાની અપેક્ષા નઈ રાખવાની. તારા વિશાળ મંદિર જેવડી મારી જગ્યા નથી. મારી આ 10 બાય 15ની નાની ખોલીમાં...’

‘અરે ઘર ભલેને નાનું હોય, પણ દિલ તો તારું રાષ્ટ્રપતિ ભવન જેવડું છે ને!’
‘ના પ્રભુ, દિલ તો એના કરતાં પણ મોટું છે. પણ પછી ભગવાનોનો ઠપકો ન મળવો જોઈએ કે આજે ઊલટી ગંગા?’
‘સમજ્યો નઈ.’

‘પેલો તારો મિત્ર સુદામા ઝૂંપડી છોડી તારા મહેલે આવે ને તમે મહેલ છોડી મારી ઝૂંપડીએ? અને હા, બીજી વાત સાફ-સાફ જણાવી દઉં કે અહીં ખાવા માટે મીષ્ટાન નઈ મળે પછી કહેતા નઈ કે...’
‘અરે મારા મોર્ડન સુદામા, જાતજાતના પકવાન ખાઈને ડાયાબીટિસની શક્યતા વધી છે એટલે મારે તો તારી પોટલીના તાંદુળ ખાવા છે.’

‘પધારો પ્રભુ પધારો હવે વધુ ન શરમાવો, અરે સરોજ, જો, ઘરે કોણ આવ્યું છે.’
થોડી વાર પહેલાં રસોડામાં ગયેલી સરોજ બહાર આવીને ચમકી; ‘અરે પ્રભુ તમે?
‘હા.., મારા બર્થડેની તૈયારી માટે બીજા ભક્તો મંદિરમાં મારી રાહ જોતા હશે એટલે અત્યારે તારા તાંદુળ ખાઈ નીકળું. ફરી ક્યારેક આવીશ.’ ને પ્રભુ નીકળી ગયા.
શું કહો છો?