મુંબઈ: કોમેડિયન સમય રૈના અને શેરોન વર્મા વચ્ચેના બિહારી અને કાશ્મીરી પંડિતોને લઈને થયેલા કથિત મજાકનો વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. આ મામલે જાણીતા ગાયક કૈલાશ ખેરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાસ્ય અને મનોરંજનની સાથે શિસ્ત અને સમજદારી પણ જરૂરી છે. તેમણે લોકોને સજાગ રહેવા અને મર્યાદામાં રહીને વાત કરવાની સલાહ આપી છે.
આ વિવાદ સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2'ના તાજેતરમાં રિલીઝ થયેલા એપિસોડ દરમિયાન શેરૉન અને સમય વચ્ચે બિહારી અને કાશ્મીરી મુદ્દે થયેલી થયેલી હાસ્યાસ્પદ વાતચીત બાદ શરૂ થયો હતો. એપિસોડમાં શેરોન વર્મા પેનલિસ્ટ તરીકે જોવા મળી હતી.
બંને વચ્ચે એકબીજાની પૃષ્ઠભૂમિને લઈને મજાક થઈ હતી, જેમાં બિહાર, કાશ્મીર, સ્થળાંતર અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપન જેવા સંવેદનશીલ મુદ્દાઓનો ઉલ્લેખ થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો ક્લિપ્સ વાયરલ થયા બાદ એક વર્ગે આ મજાકને અસંવેદનશીલ ગણાવીને ટીકા કરી હતી.
કૈલાશ ખેરને જ્યારે આ વિવાદ અને કોમેડીમાં આવી ટિપ્પણીઓ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સંગીતનું ઉદાહરણ આપ્યું. તેમણે સમજાવ્યું કે સંગીત માત્ર ધૂન નથી, તેમાં શિસ્ત પણ હોય છે. જો કોઈ કલાકાર પોતાની 'ધૂન' યોગ્ય રીતે ન પકડે તો તે કોઈની મજાક ઉડાવવાની સ્થિતિમાં પહોંચી શકે છે. ખેરે આગળ કહ્યું હતું કે વ્યક્તિએ 'ચૈતન્ય' એટલે કે સજાગતા અને 'તહેઝીબ' એટલે કે શિષ્ટાચાર સાથે વાત કરવી જોઈએ.
સમય રૈનાએ શેરોનના બિહારી મૂળને લઈને મજાક કરી હતી, ત્યારબાદ શેરોને સમયની કાશ્મીરી ઓળખને લઈને જવાબ આપ્યો હતો. વાતચીત આગળ વધતા બિહારથી મુંબઈમાં રોજગાર માટે આવતા લોકો અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપન જેવા ગંભીર સંદર્ભો પણ તેમાં જોડાયા. ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ સવાલ કર્યો કે કોમેડીની મર્યાદા ક્યાં સુધી હોવી જોઈએ.
આ વિવાદને પગલે હવે રાજનીતિ પણ ગરમાઈ છે. આ મુદ્દે કેટલાક નેતાઓએ સમય રૈનાની ટિપ્પણીઓની ટીકા કરી છે અને કોમેડીમાં જાતિ, ધર્મ, રાજ્ય અથવા સંવેદનશીલ ઐતિહાસિક ઘટનાઓને ખેંચવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.
બીજી તરફ, આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ચર્ચા પણ જગાવી છે કે કોમેડીમાં સ્વતંત્ર અભિવ્યક્તિ અને સામાજિક સંવેદનશીલતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. કૈલાશ ખેરની સલાહ પણ આ જ ચર્ચાના સંદર્ભમાં મહત્વપૂર્ણ બની છે કે લોકો કેવી રીતે હસે અને બીજાને કેવી રીતે હસાવે, તેની સાથે કોઈ પણ સમુદાય કે લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.