Thu Sep 10 2026

Logo

અમેરિકાના મજબૂત જોબ ડેટાએ વૈશ્વિક સોના-ચાંદીને નબળા પાડ્યાં

2026-09-07 19:41:19
Author: Ramesh Gohil
અમેરિકાના મજબૂત જોબ ડેટાએ વૈશ્વિક સોના-ચાંદીને નબળા પાડ્યાં

સ્થાનિક ચાંદીમાં રૂ. 3806 અને સોનામાં રૂ. 2181નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગત શુક્રવારે અમેરિકાનાં જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં મજબૂત આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો અને આજે પણ વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2172થી 2181નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 3806 ઘટી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3806ના ઘટાડા સાથે રૂ. 2,31,650ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2172 ઘટીને રૂ. 1,52,092 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2181 ઘટીને રૂ. 1,52,703ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 4392.88 ડૉલર અને 4438.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક ટકો ઘટીને આૈંસદીઠ 65.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ગત શુક્રવારે અમેરિકાના રોજગાર વૃદ્ધિના ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હતા અને બેરોજગારીનો દર 4.1 ટકાના સ્તરે સ્થિર રહ્યો હોવાથી બૉન્ડની યિલ્ડમાં વધારો થવાની સાથે ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા પણ મજબૂત થવાથી હાલમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી રહ્યા હોવા છતાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હસને જણાવ્યું હતું. એકંદરે આજે સોનામાં આૈંસદીઠ 4400 ડૉલરની નીચેની સપાટીએ ખરીદીમાં આકર્ષણ જોવા મળ્યું હોવાથી અમારા મતે આૈંસદીઠ 4320 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને આૈંસદીઠ 4500 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

હાલમાં બજાર વર્તુળોની નજર આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અને શુક્રવારે જાહેર થનારા ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ હોવા છતાં આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 58 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે. જોકે, ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગણી અનુસાર ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકે ત્યાં સુધી જે દેશો સાથે અમેરિકા વેપાર ખાધ ધરાવે છે તે દેશો સાથે વેપાર બંધ કરશે.