Mon Oct 05 2026

Logo

ફરી ધુરંધર અવતારમાં જોવા મળશે રણવીર સિંહઃ જૉમ્બી થ્રિલરમાં દેખાશે ધાંસૂ અંદાજ

2026-09-07 21:37:26
Author: Mumbai Samachar Team
ફરી ધુરંધર અવતારમાં જોવા મળશે રણવીર સિંહઃ જૉમ્બી થ્રિલરમાં દેખાશે ધાંસૂ અંદાજ

મુંબઈ: બૉલીવુડના ધુરંધર અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ની બ્લોકબસ્ટર સફળતા બાદ હવે અભિનેતા એકદમ અલગ અંદાજમાં દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. મુંબઈમાં ચાલી રહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન રણવીર સિંહનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને ચાહકોને ફરી એકવાર ‘ધુરંધર’ના હમઝા અલી મઝારીની યાદ આવી રહી છે.

‘પ્રલય’ના સેટ પરથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં રણવીર સિંહ લાંબા વાળ અને લાંબી દાઢીવાળા લુકમાં જોવા મળી રહ્યા છે. તેના આ રફ અને ઈન્ટેન્સ અવતારે ચાહકોનું ધ્યાન ફરી એક વાર આકર્ષિત કર્યું છે. વાયરલ થયેલા એક વીડિયોમાં રણવીર એક એવા રસ્તા ઉપર પર ચાલતા જોવા મળે છે, કે જ્યાં ચોમેર વિનાશની ઝલક દેખાઈ રહી છે. તેણે આગળ બેગ લટકાવેલી છે, જ્યારે તેમના ખભા પર એક બાળક પણ જોવા મળે છે. 

બીજી તરફ અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ આ રસ્તા પર જોવા મળે છે, જેમના ખભા પર બેગ છે. તે સ્થળનું વાતાવરણ પણ કોઈ મોટી આપત્તિ બાદની સ્થિતિ તરફ ઈશારો કરે છે. રણવીરના આ લુકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ચાહકો ખાસ કરીને તેમના લાંબા વાળ અને દાઢીવાળા અવતારને પસંદ કરી રહ્યા છે અને તેને ‘ધુરંધર’ સાથે સરખાવીને જોઈ રહ્યા છે.

રણવીર સિંહની ‘પ્રલય’ એક સર્વાઈવલ ઝોમ્બી થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક ભયાનક મહામારી બાદ સર્જાયેલા વિનાશનો સામનો કરી રહેલા મુંબઈની આસપાસ કેન્દ્રિત છે. આ મહામારી બાદ શહેરમાં સર્જાયેલી અફરાતફરી અને જોખમ વચ્ચે એક કપલ પોતાના પરિવારને બચાવવા માટે કઈ રીતે સંઘર્ષ કરે છે તેની આસપાસ આ વાર્તા આકાર લે છે.

આ ફિલ્મ દ્વારા કલ્યાણી પ્રિયદર્શન હિન્દી સિનેમામાં પદાર્પણ કરી રહી છે. રણવીર સિંહ માત્ર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા નથી, પરંતુ પોતાના બેનર ‘મા કસમ ફિલ્મ્સ’ હેઠળ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે. તેઓ ‘લુટેરે’ અને ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ જેવી ચર્ચિત વેબ સિરીઝ સાથે જોડાયેલા રહ્યા છે. આ કારણે ‘પ્રલય’ને લઈને દર્શકોમાં શરૂઆતથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

રણવીર સિંહ માટે ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી કારકિર્દીની સર્વોચ્ચ સફળતાઓમાંની એક બની છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ની સફળતા બાદ હવે ‘પ્રલય’માં તેમનો અલગ પ્રકારનો એક્શન અને સર્વાઈવલ અવતાર જોવા મળવાનો છે. સેટ પરથી સામે આવેલા લુકને કારણે ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી છે. જોકે ફિલ્મની રિલીઝ અને વાર્તા સાથે જોડાયેલી વધુ વિગતોની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

વ્યાવસાયિક જીવનની સાથે રણવીર સિંહ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. રણવીર અને દીપિકા પાદુકોણે પોતાના બીજા બાળકના આગમનની ખુશખબર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી હતી. 

બંને ટૂંક સમયમાં બીજી વખત માતા-પિતા બનવાના છે. મળતી માહિતી અનુસાર, રણવીરે પોતાના બીજા બાળકના જન્મ સમયે દીપિકા સાથે રહેવા માટે મેકર્સ પાસે પિતૃત્વ રજા (પેટરનિટી લીવ) પણ માંગી છે. આવી સ્થિતિમાં ‘પ્રલય’ના શૂટિંગની સાથે રણવીર પોતાના પરિવાર માટે પણ સમય કાઢી રહ્યા છે.

હવે રણવીર સિંહનો ‘પ્રલય’માં કેવો અવતાર જોવા મળશે અને તેમની તથા કલ્યાણી પ્રિયદર્શનની જોડી દર્શકોને કેટલી પસંદ પડે છે, તેમજ શું તેમની આ ફિલ્મ ચાહકોને ધુરંધર બાદ ફરી એક વાર આકર્ષી રાખવામાં સફળ બનશે કે કેમ તેના પર હાલ માત્ર લોકોની જ નહીં પણ આખા બૉલીવુડની નજર ટકેલી છે.