વોશિંગ્ટનઃ અમેરિકાએ ચેતવણી આપી છે કે 30 સપ્ટેમ્બરે ચાલુ નાણાકીય વર્ષ સમાપ્ત થતા પહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે રોજગાર આધારિત પહેલી પ્રાથમિકતા શ્રેણી (EB-1)નું અમેરિકી ગ્રીન કાર્ડ અનુપલબ્ધ થઇ શકે છે.
વધારે માંગના કારણે ઉભી થયેલી આ સ્થિતિએ ભારતીય અરજદારોની ચિંતા અને બેકલોગને વધુ વધારી દીધો છે. જે લાંબા સમયથી સ્થાયી નિવાસની રાહ જોઇ રહ્યા છે.
શું છે EB-1 વીઝા શ્રેણી અને કોને મળી શકે છે આનો લાભ?
EB-1 કેટેગરી ખાસ કરીને પ્રાથમિકતાવાળા કર્મચારીઓ માટે નિર્ધારિત કરવામાં આવી છે. આ કેટેગરી હેઠળ અસાધારણ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને રિસર્ચરની સાથે સાથે બહુરાષ્ટ્રીય કંપનીઓના મેનેજરો અને ટોચના અધિકારીઓને સામેલ કરવામાં આવે છે. જે પોત પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા અને અનુભવ ધરાવે છે.
અમેરિકી વિદેશ વિભાગે પોતાના સપ્ટેમ્બર મહિનાના વિઝા બુલેટિનમાં ચેતવણી આપી છે કે જેનાથી ઘણી કેટેગરીમાં પહેલાથી લાંબી કતારોનો સામનો કરી રહેલા ભારતીય અરજદારો સામે નવી અનિશ્ચિતતા પેદા થઇ ગઇ છે.
બુલેટિનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે EB-1 વીઝા શ્રેણીમાં ભારતના અરજદારોની ભારે માંગ અને વીઝા નંબરોના ઝડપી ઉપયોગને જોતાં આગામી સપ્તાહોમાં આ શ્રેણીને અનુપલબ્ધ જાહેર કરવી પડી શકે છે.
નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં જો ભારતની નિર્ધારિત ક્વોટા મર્યાદા સમાપ્ત થઈ જાય, તો આ સ્થિતિ લાગુ થશે. આ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ યોગ્ય ફેરફારો કરવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
EB-2, EB-3 અને EB-5 શ્રેણીઓમાં પણ સંકટ યથાવત
આ ચેતવણી ભારતીય અરજદારો માટે એટલા માટે પણ વધુ ચિંતાજનક છે કારણ કે રોજગાર આધારિત અન્ય શ્રેણીઓ પહેલેથી જ ભારે દબાણ અને લાંબી પ્રતીક્ષા સૂચિનો સામનો કરી રહી છે. ઉચ્ચ ડિગ્રી અને અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યાવસાયિકો માટે નિર્ધારિત EB-2 શ્રેણીને સપ્ટેમ્બર બુલેટિનમાં 'U' (અનુપલબ્ધ) તરીકે નોંધવામાં આવી છે.
વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, તેનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન આ શ્રેણીમાં વીઝા જારી કરવાની મંજૂરી નથી. તેવી જ રીતે, કુશળ કામદારો અને વ્યાવસાયિકો સાથે જોડાયેલી EB-3 શ્રેણીમાં પણ બેકલોગની સ્થિતિ ખૂબ ખરાબ છે અને કતાર લગભગ 12 વર્ષ પાછળ ચાલી રહી છે.