Tue Oct 06 2026

Logo

ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઈજેક: એક સામાન્ય ઇઝરાયેલી નાગરિક કઇ રીતે શીખ્યો પ્લેન ચલાવતા? નેતન્યાહૂને જણાવી વાત

Tel Aviv   2026-10-01 08:40:00
Author: Devayat Khatana
ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઈજેક: એક સામાન્ય ઇઝરાયેલી નાગરિક કઇ રીતે શીખ્યો પ્લેન ચલાવતા? નેતન્યાહૂને જણાવી વાત

દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને હાઈજેક કરીને 9/11 જેવો જ ભયાનક આતંકી હુમલો કરવાની મોટી સાજિશ રચવામાં આવી હતી. જોકે, એક ભારતીય પાયલટ અને કેટલાક બહાદુર ઈઝરાયેલી નાગરિકોની હિંમત અને સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.  આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સંકટના સમયે દાખવેલી હિંમત અને સૂઝ અનેક નિર્દોષ લોકોના જીવ બચાવી શકે છે.

મળતી વિગતો અનુસાર, આ ફ્લાઇટના મુખ્ય પાયલટ ભારતીય મૂળના સ્મિત મચ્છાર હતા. ઉડાન દરમિયાન ફ્લાઈટના જ ઓમાની કો-પાયલટે અચાનક હાઈજેકર બનીને સ્મિટ પર ચાકુ વડે હુમલો કરી દીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  કો-પાયલટ પાયલટ સ્મિત મચ્છાર પર ચાકુથી હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. તેમ છતાં તેમણે લડત આપી હતી અને આ ભયાનક સંઘર્ષ દરમિયાન પ્લેન માત્ર 2 જ મિનિટમાં અંદાજે 14 હજાર ફૂટ નીચે આવી ગયું હતું, જેથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

પાયલટ સ્મિતની સાથે જ અનેક સામાન્ય નાગરિકોએ પણ વિમાનને નિયંત્રિત કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, આવી સ્થિતિમાં યાનીવ હાયુન નામનો ઈઝરાયેલી પેસેન્જર એક સાચા હીરો તરીકે ઊભરી આવ્યો. યાનીવ તે ત્રણ ઈઝરાયેલી લોકોમાંથી એક છે જેમણે આ હાઈજેકરને કાબૂમાં લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે યાનીવને આ કટોકટીમાં શું કરવું તેની જાણકારી એક ટીવી શોમાંથી મળી હતી. તે પ્લેન દુર્ઘટનાઓની તપાસ પર આધારિત એક ટીવી શોનો નિયમિત દર્શક હતો. આ શોમાંથી મેળવેલી જાણકારીની મદદથી જ તેણે નીચે ખાબકી રહેલા પ્લેનને બચાવ્યું અને તેને હવામાં સ્થિર રાખવામાં મદદ કરી હતી.

ઈઝરાયેલ પરત ફર્યા બાદ બેન ગુરિયન એરપોર્ટ પર યાનીવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી સમગ્ર ઘટના વર્ણવી હતી, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ થઈ રહ્યો છે. યાનીવે નેતન્યાહૂને જણાવ્યું કે જ્યારે તે અને અન્ય એક વ્યક્તિ જબરદસ્તીથી કોકપિટમાં ઘૂસ્યા, ત્યારે ઘાયલ ભારતીય પાયલટ દરવાજા પાસે જમીન પર પડેલો હતો. પીએમ નેતન્યાહૂએ પૂછ્યું કે હુમલાખોર શું કરી રહ્યો હતો, ત્યારે યાનીવે જવાબ આપ્યો કે, "આતંકવાદી બંને સીટોની વચ્ચે ઊભો રહીને પ્લેનને પાડી દેવા માટે કંટ્રોલ સિસ્ટમને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો." યાનીવે તરત જ તેને પકડીને બહાર ખેંચી લીધો હતો અને હુમલો નિષ્ફળ બનાવ્યો હતો, તેવો દાવો હાલ મીડિયા સમક્ષ કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ...