અમદાવાદઃ ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા અને ઇથોપિયામાં કથિત રીતે અપહરણ કરાયેલા ત્રણ ગુજરાતના રહેવાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને કોઈપણ ખંડણી ચૂકવ્યા વિના ભારત પરત મોકલવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ઇથોપિયા પહોંચ્યા પછી ત્રણેય, એક પુરુષ અને બે મહિલા ગુમ થઈ ગયા હતા, તેમના પરિવારોએ આરોપ લગાવ્યો હતો કે તેમના અપહરણકારોએ તેમની મુક્તિ માટે રૂ.1 કરોડની માંગણી કરી હતી.
વિદેશ મંત્રાલય અને ગુજરાત પોલીસ દ્વારા તેમને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્રણેય ગુરુવારે સવારે 3 વાગ્યાની આસપાસ મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમના પરિવારો તેમને મળ્યા હતા અને આજ સુધીમાં તેમના વતન પહોંચે તેવી શક્યતા છે.
ભોગ બનનારાઓની ઓળખ મહેસાણાના વડસ્મા ગામના રૂત્વિક જંસારી, મૂળ મહેસાણાના અને હાલમાં અમદાવાદમાં રહેતા મમતા ચાવડા અને ગાંધીનગરની મયૂરી તરીકે થઈ છે. સૂત્રો અનુસાર તેઓ સંબંધી છે.
તેઓ 20 સપ્ટેમ્બરના રોજ મહેસાણાના એક એજન્ટની મદદથી ગુજરાત છોડીને ગયા હતા, જેણે તેમને વડોદરાના બીજા એજન્ટ સાથે સંપ્રર્ક કરાવ્યાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બર પછી તેમના ઠેકાણાની કોઈ જાણકારી મળી શકી નથી, જેના પગલે મમતાનાં પિતા કિરીટભાઈ ચૌહાણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
તેમના પરિવારોના જણાવ્યા મુજબ, તેઓ અમેરિકા જવા માટે મધ્યસ્થીઓને પ્રતિ વ્યક્તિ આશરે રૂ. 75 લાખ ચૂકવવા સંમત થયા હતા, જેમાંથી લગભગ રૂ. 70 લાખ અગાઉથી ચૂકવવામાં આવ્યા હતા.
ઇથોપિયા પહોંચ્યા પછી, ત્રણેયને સ્થાનિક એજન્ટ દ્વારા કથિત રીતે બંધક બનાવવામાં આવ્યા હતા, જેમણે તેમના પરિવારો પાસેથી તેમની મુક્તિ માટે વધુ રૂ. 1 કરોડની માંગણી કરી હતી. ત્યારબાદ પરિવારોએ અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી.
ત્યારબાદ મહેસાણા પોલીસે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો જેના પગલે બંને પક્ષોએ સંબંધિત વિભાગો અને એજન્સીઓ સાથે સંકલન કર્યું હતું અને ત્રણેયને છોડાવવાની કવાયત શરૂ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવારો દ્વારા કોઈ ખંડણી ચૂકવવામાં આવી ન હતી. ભારતીય અધિકારીઓ સાથેની વાતચીત અને હસ્તક્ષેપ બાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા.
લાંઘણજ પોલીસ હવે આ મુસાફરીમાં કથિત રીતે મદદ કરનારા એજન્ટોની ભૂમિકા અને ત્રણેયની મુસાફરીની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે.
પોલીસે અગાઉ જણાવ્યું હતું કે મમતાએ અમેરિકાના વિઝા મેળવવા માટે અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનાં પરિવારે ગેરકાયદે મુસાફરીની વ્યવસ્થા કરવા માટે મધ્યસ્થીઓનો સંપર્ક કર્યો હતો. તેનાં પતિ ચિરાગ કુમારે છ મહિના પહેલા વિદ્યાર્થી વિઝા પર અમેરિકાનો પ્રવાસ કર્યો હોવાના અહેવાલ છે.
ત્રણેયના સુરક્ષિત પાછા ફરવાથી તેમના પરિવારોને રાહત થઈ છે. જોકે આ પહેલીવાર નથી કે વિદેશ જવાની લાલચમાં લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય, ત્યારે લોકોએ વિદેશ જવા માટે કાયદાકીય રસ્તા જ અપવવા જોઈએ, તે આ ઘટના પરથી સમજી શકાય છે.