Tue Oct 06 2026

Logo

સુરત અને ઉદેપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 7.25 કલાકમાં પૂર્ણ કરશે સફર

2026-10-01 17:51:42
Author: Chandrakant Kanoja
સુરત અને ઉદેપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 7.25 કલાકમાં પૂર્ણ કરશે સફર

સુરત: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મજબૂત રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા 3 ઓકટોબરથી  સુરત અને ઉદેપુર  વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેએ આ નવી ટ્રેન અંગેની તમામ જરૂરી વિગતો જાહેર કરી છે. જે સુરત અને  ઉદેપુર વચ્ચેનું 530 કિલોમીટરનું અંતર માત્ર 7.25 કલાકમાં જ કાપશે. 

ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ચેર કાર અને એસી ચેર કાર કોચની સુવિધા 

આ અંગે પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે  કે સુરત અને ઉદેપુર સિટી વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બંને તરફ ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર રેલવે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ચેર કાર અને એસી ચેર કાર કોચની સુવિધા હશે. આ ટ્રેન માટે સીટ બુકિંગ 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. આ નવી વંદે ભારત એક્સપ્રેસ 530  કિમીની મુસાફરી 7.25 કલાકમાં પૂર્ણ કરશે.

ઉદેપુર સિટી અને અસારવા વચ્ચે ચાલતી ટ્રેનના સ્થાને શરૂ કરાઇ 

ઉલ્લેખનીય છે કે સુરત અને ઉદેપુર વચ્ચેની આ નવી ટ્રેન અગાઉ ઉદેપુર સિટી અને અસારવા વચ્ચે ચાલતી વંદે ભારત સેવાના સ્થાને શરૂ કરવામાં આવી રહી છે. તે ટ્રેન જે 26963/26964  નંબર હેઠળ દોડતી હતી.તે આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. જોકે, મુસાફરોની ઓછી સંખ્યાને કારણે હવે તેને નવા નંબર સાથે સુરત અને ઉદયપુર વચ્ચે ફરીથી શરૂ કરવામાં આવી રહી છે.