મુંબઈઃ અજય દેવગનની સુપરહિત ફ્રેન્ચાઇઝી 'દ્રશ્યમ'નો ત્રીજો ભાગ 'દ્રશ્યમ ધ કન્ક્લુઝન' (Drishyam 3) 2 ઓક્ટોબરના રોજ મોટા પડદા પર દસ્તક આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રિલીઝના થોડા કલાકો પહેલા જ આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ ફિલ્મનું તોફાની એડવાન્સ બુકિંગ છે. એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મે બંપર કમાણી કરી કરોડો રૂપિયા છાપી લીધા છે. ચાલો વિગતે જોઈએ...
5 દિવસીય પ્રી-સેલમાં 37 કરોડથી વધુનો આંકડો પાર
ગુરૂવાર સવાર એટલે કે આજ સુધીના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, આ ફિલ્મે પહેલા દિવસમાં બ્લોક સીટો સાથે રૂપિયા 19.71 કરોડની કમાણી કરી લીધી છે. બ્લોક સીટો વગર આ આંકડો રૂપિયા 16.58 કરોડ થાય છે. દેશભરના 12,000 થી વધુ શૉ માટે અત્યાર સુધીમાં 5.35 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. માત્ર પહેલા દિવસની વાત નથી, પરંતુ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધીના 5 દિવસના એડવાન્સ બુકિંગના આંકડા પણ આશ્ચર્યજનક છે. આ 5 દિવસમાં પ્રીમિયર શો સહિત કુલ 11.04 લાખથી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે, જેના દ્વારા ફિલ્મે રૂપિયા 37.38 કરોડનું ગ્રોસ બુકિંગ મેળવ્યું છે.
શું પ્રથમ દિવસે 50 કરોડનો આંકડો પાર થશે?
એડવાન્સ બુકિંગની આ ઝડપ જોઈને ટ્રેડ એનાલિસ્ટ્સ અંદાજ લગાવી રહ્યા છે કે 'દ્રશ્યમ 3' પહેલા જ દિવસે ભારતમાં આસાનીથી રૂપિયા 40 કરોડથી વધુનું નેટ કલેક્શન કરી લેશે. જો રિલીઝના દિવસે સ્પોટ બુકિંગનો સહકારો મજબૂત રહ્યો, તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો નેટ ઓપનિંગ આંકડો પણ પાર કરી શકે છે. અત્યારે તો દર્શકોમાં આ ફિલ્મનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ બાદમાં ફિલ્મ જોયા પછી લોકો દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પરથી આગળની કમાણી કેટલી થશે તેનો અંદાજ લગાવી શકાશે.
અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 'દ્રશ્યમ' ફ્રેન્ચાઇઝીનો અંતિમ ભાગ માનવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન (વિજય સાલગાવંકર), તબુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા અને રજત કપૂર જોવા મળશે. આ સાથે આ વખતે પ્રકાશ રાજ અને જયદીપ અહલાવત સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે જોડાયા છે. હવે ફિલ્મ કેટલી કમાણી કરે છે તે આવતીકાલે ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થાય તેના પછી જ ખબર પડશે.