Thu Oct 01 2026

Logo

‘હું માત્ર મારી ફરજ બજાવી રહ્યો હતો.....’, 174 યાત્રીઓના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છારે આપ્યું નિવેદન

2026-10-01 10:49:00
Author: Vimal Prajapati
‘હું માત્ર મારી ફરજ બજાવી રહ્યો હતો.....’, 174 યાત્રીઓના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છારે આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ ફ્લાયદુબઈ એરલાઇન્સની ફ્લાઇટમાં કટોકટી સમયે મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટનની અત્યારે વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે ગુજરાતી મૂળના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારે દેશવાસીઓ અને વિશ્વભરના શુભચિંતકોનો આભાર માનતું નિવેદન જાહેર કર્યું છે. કેપ્ટન સ્મિતે જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં જે લોકોએ તેમના માટે પ્રાર્થના કરી, સમર્થન આપ્યું અને પ્રેમ તેમજ પ્રોત્સાહનના સંદેશાઓ મોકલ્યા તે બદલ તેઓ તમામના હૃદયપૂર્વક આભારી છે. તેમણે ખાસ કરીને પોતાના ભારતીય ભાઈ-બહેનો, સાથી સહકર્મીઓ, ફ્લાઇટના મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને મુશ્કેલીની આ ક્ષણમાં તેમની પડખે ઊભા રહેનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

હું માત્ર મારી ફરજ બજાવી રહ્યો હતોઃ કેપ્ટન સ્મિત મચ્છાર

પોતાની બહાદુરી વિશે વાત કરતા કેપ્ટન સ્મિત મચ્છારે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું કે, "એક પાયલટ તરીકે હું માત્ર મારી ફરજ બજાવી રહ્યો હતો અને મને આનંદ છે કે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું તથા તમામ લોકો સહી-સલામત છે." તેમણે ઉમેર્યું કે, લોકોની પ્રાર્થનાઓ અને સાથ-સહકાર તેમના માટે એટલા મૂલ્યવાન છે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અસાધારણ સાહસ અને કોઠાસૂઝ દર્શાવ્યા બાદ પણ કેપ્ટન સ્મિતના આ નમ્ર નિવેદને દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોનું દિલ જીતી લીધું છે

પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂ દ્વારા કરવામાં આવેલા વખાણ માટે પણ કેપ્ટન સ્મિત મચ્છારે આભાર માન્યો હતો. નેતન્યાહૂ માટે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘વડાપ્રધાન નેતન્યાહૂ, તમારા સદ્‌વચનો અને સમર્થન બદલ આપનો આભાર. હું માત્ર એક પાઇલટ તરીકે મારી ફરજ બજાવી રહ્યો હતો. જે લોકો મારી પડખે ઊભા રહ્યા અને મને તથા મારા પરિવારને પોતાની પ્રાર્થનાઓમાં યાદ રાખ્યા, તે સૌનો હું આભારી છું’. 

પીએમ મોદી માટે લખ્યું કે, ‘તમારા સદ્‌વચનો અને પ્રાર્થનાઓ બદલ આપનો આભાર. મને સોંપાયેલા લોકોના જીવનની રક્ષા કરવી એ મારી ફરજ હતી, અને મેં માત્ર તે જ નિભાવી છે. તમારું સમર્થન અને લાખો ભારતીયોની પ્રાર્થનાઓ મારા માટે અત્યંત મૂલ્યવાન છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી’

કેપ્ટન સ્મિત મચ્છારની વધારે વિગતે વાત કરવામાં આવે તો, મચ્છાર જૂન, 2022થી ફ્લાઈદુબઈના બોઈંગ 737 કાફલામાં કેપ્ટન છે. એના પહેલા મુંબઈમાં સ્પાઈસજેટની સાથે 11 વર્ષ કામ કર્યું હતુ. જ્યાં તેઓ સિનિયર કમાન્ડર હતા. મચ્છાર 2020થી લાઈન ટ્રેનિંગ કેપ્ટન તરીકે બીજા પાયલટને તાલીમ પણ આપે છે તથા તપાસ પણ કરે છે. મળતી માહિતી અનુસાર ભારતીય પાઈલટની પાસે 737-800 અને 737 મેક્સ8 પર 9,750 કલાક સુધી ફ્લાઈટ ઉડાવવાનો અનુભવ છે. અત્યારે તેમની કામગીરીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યાં છે.