નવી દિલ્હી: દુબઇમા ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં બનેલી હિંસક ઘટના બાદ ભારતમાં એવિએશન સેફટી સિસ્ટમની સમીક્ષા થઇ શકે છે. જેમાં હાલમાં પ્રવર્તમાન સુરક્ષા પ્રોટોકોલ ઉપરાંત પાયલોટોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને સંવેદનશીલ રૂટ્સ પર સ્કાય માર્શલ્સની તૈનાતી જેવા પાસાઓ પર વિચાર કરવામાં આવી શકે છે. જોકે, ભારતમાં આવી સમીક્ષા અંગે BCAS,DGCA અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરના રોજ, ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. આ દરમિયાન, કોકપિટમાં બે પાયલોટ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં સહ-પાઇલટ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કર્યો હતો. આ વિમાનની ઊંચાઈમાં ઝડપથી ઘટાડો થયો અને તેણે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા.
સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
આ અંગે મળતી માહિતી મુજબ ફ્લાયદુબઈમાં આરોપી આતંકવાદી કો-પાયલટ હજુ માત્ર નવ મહિના પહેલા નોકરીએ લાગ્યો હતો. આ ચોંકાવનારી ઘટનામાં તેને પાયલટ પર હુમલો કર્યા બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. સાઉદીના અધિકારીઓ દ્વારા શરૂઆતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યારબાદ આરોપીને સંયુક્ત અરબ અમીરાતને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવે તેવી શક્યતા છે.
સમગ્ર ઘટનાની તપાસ શરૂ
સંયુક્ત અરબ અમીરાતે પણ આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આ તપાસમાં ઘટનાનો આતંકવાદી પ્રવૃત્તિ અથવા ઈરાદા સાથે કોઈ સંબંધ હતો કે નહીં અને હુમલો અગાઉથી આયોજનબદ્ધ હતો કે નહીં તે સહિતના પાસાં તપાસવામાં આવી રહ્યા છે. વિમાન સંયુક્ત આરબ અમીરાતમાં નોંધાયેલ હોવાથી વિમાનમાં બનેલા ગુનાની તપાસમાં તેના કાયદા લાગુ પડતા હોવાની પણ માહિતી આપવામાં આવી છે.