Tue Oct 06 2026

Logo

મુંબઈ એરપોર્ટ પર 21 કરોડનું ડ્રગ્સ પકડાયું: પ્રવાસીની ધરપકડ

2026-10-01 19:45:40
Author: Yogesh D. Patel
મુંબઈ એરપોર્ટ પર 21 કરોડનું ડ્રગ્સ પકડાયું: પ્રવાસીની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી 21 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને પ્રવાસીની ધરપકડ કરી હતી.

થાઇલેન્ડના ફૂકેટ જવા માટેની ફ્લાઇટ પકડવા પ્રવાસી બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો ત્યારે એઆઇયુના અધિકારીઓએ તેને શંકાને આધારે આંતર્યો હતો. 

પ્રવાસીની તલાશી લેવામાં આવી હતી, પણ કશું જ મળ્યું નહોતું. બાદમાં તેના સામાનની તલાશી લેવામાં આવતાં 21 કરોડ રૂપિયાની કિંમતનું સાત કિલો કેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું.

આથી પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કઇ વ્યક્તિ સુધી તે પહોંચાડવાનો હતો, તેની તપાસ કરાઇ રહી છે.

દરમિયાન મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) ચેમ્બુર વિસ્તારથી 84 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કરીને મરિઅમ્મા પેરિઆનંદ દેવેન્દ્ર (40) નામની મહિલાની ધપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. 

એએનસીના ઘાટકોપર યુનિટનો સ્ટાફ બુધવારે ચેમ્બુરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે માનખુર્દ-ઘાટકોપર લિંક રોડ પર છેડાનગર ખાતે તેમની નજર મહિલા પર પડી હતી. મહિલાને તાબામાં લઇ તેની તલાશી લેવાતાં ગાંજો મળી આવ્યો હતો, જે વેચવા માટે આવી હતી.