Mon Oct 05 2026

Logo

સુનાવણી વખતે કોલકાતા હાઈ કોર્ટના જજે કેમ ફ્લાઈદુબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો? જાણો મામલો

2026-10-01 20:31:20
Author: Mumbai Samachar Team
સુનાવણી વખતે કોલકાતા હાઈ કોર્ટના જજે કેમ ફ્લાઈદુબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો? જાણો મામલો

કોલકાત્તા: કોલકાત્તા એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી સંબંધિત કોલકાત્તા હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક રસપ્રદ સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટના જજે ફ્લાયદુબઈના કોકપિટ સાથે જોડાયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. 

કોલકાત્તા એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી અંગેનો મામલો હાઈ કોર્ટ સમક્ષ આવ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન જજે એરપોર્ટ પરિસર સાથે જોડાયેલા નિયમો અને સંવેદનશીલતાના સંદર્ભમાં 'ફ્લાયદુબઈ'ની કોકપિટ ઘટનાને યાદ કરી હતી.

અરજદારોએ કોર્ટને જણાવ્યું કે આ મસ્જિદમાં અનેક દાયકાઓથી લોકો નમાજ પઢતા આવ્યા છે. તેમનું માનવું હતું કે પહેલા સીઆઇએસએફના નિરીક્ષણમાં નમાજીઓની સ્ક્રીનિંગ કરવામાં આવતી હતી. સ્ક્રીનિંગ બાદ તેમને મસ્જિદ સુધી લઇ જવામાં આવતા હતા. નમાજ પૂર્ણ થયા બાદ ફરી તેમને મુખ્ય માર્ગ સુધી લઇ જવામાં આવતા હતા. આ વ્યવસ્થા દ્વારા સુરક્ષાનું ધ્યાન રાખી નમાજની પરવાનગી આપવામાં આવતી હતી. 

એરપોર્ટ ઓથોરિટી તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે મસ્જિદ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં છે અને રનવે ઘણો નજીક છે. રિપોર્ટ અનુસાર મસ્જિદ રનવેથી લગભગ 165 મીટર દૂર છે. અધિકારીઓએ અગાઉ થયેલી ભૂલનો હવાલો આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે અમુક મામલાઓમાં લોકો એરપોર્ટના એપ્રન વિસ્તાર સુધી પહોંચતા જોવા મળ્યા હતા. એવામાં આ અવરજવર જોખમી માનવામાં આવી રહી છે. 

અધિકારીઓ તરફથી સોલિસિટર જનરલે જણાવ્યું કે 1993 પહેલા આવી સ્થિતિ નહોતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ જોખમ વધ્યું છે. 2025ના લાલ કિલ્લાના હુમલા વિશે પણ તેમણે જણાવ્યું હતું. તાજેતરની પરિસ્થિતિ જોતા એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થાનો પર જોખમ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. 

આ મુદ્દે જજ કૃષ્ણ રાવે કહ્યું કે સુરક્ષા જોખમ ફક્ત ભારત સુધી સીમિત નથી. બુધવારે બનેલી 'ફ્લાયદુબઈ' ઘટનાનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે આવી ઘટનાઓ આજકાલ બધી જગ્યાએ બની રહી છે. આરોપ છે કે ફ્લાઇટના ઓમાનના મૂળ કો-પાઇલેટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ કો-પાઇલટ વિમાનને ક્રેશ કરવા ઈચ્છતો હતો. 

સુનાવણી દરમિયાન કોર્ટે નમાજની પરવાનગી આપવા માટે કોઈ અંતિમ આદેશ જારી કર્યો નથી, એટલે કે હાલમાં એરપોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાઝને લઈને વ્યવસ્થા રહેશે. કોર્ટે આ મામલે આગળની સુનાવણી માટે 7 ઓક્ટોબર 2026નો નિર્દેશ આપ્યો છે.