Mon Oct 05 2026

Logo

વાઈબ્રન્ટ સમિટથી કોમનવેલ્થ ગેમ્સ સુધી: ગુજરાતના 4 મહાનગરોની થશે કાયાપલટ

2026-10-01 20:21:52
Author: Mumbai Samachar Team
વાઈબ્રન્ટ સમિટથી કોમનવેલ્થ ગેમ્સ સુધી: ગુજરાતના 4 મહાનગરોની થશે કાયાપલટ

Chat GPT Generated Image


ગાંધીનગરઃ આગામી સમયગાળામાં ગુજરાત રાજ્યમાં અનેક એવી આંતરરાષ્ટ્રીય કક્ષાની બિઝનેસ તથા સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન થવાનું છે. આ વિષયને ધ્યાને લઈને રાજ્યના શહેરને વધારે સ્વચ્છ અને આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરનો એમાં સમાવેશ કરાયો છે. આ શહેરમાં નાગરિકોને વૈશ્વિક ધોરણે હોય એવી મૂળભૂત સગવડ મળી રહે અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શહેર જેવી સુવિધા મળે એ હેતુથી કેટલીક માળખાકીય પ્રાપ્યતા ઊભી કરવામાં આવી રહી છે. 

મિટિંગમાં શું થયું?

કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ સાથે તાજેતરમાં યોજાયેલી એક હાઈલેવલની મિટિંગમાં અત્યાર સુધી માત્ર સ્વચ્છતા અને જરૂરી બાબતો પર ભાર મૂકવામાં આવતો પણ હવે એ ઉપરાંત શહેરને સ્માર્ટ બનાવવા માટે જરૂરી એવા ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન કવર, ગ્રીન લેયર્સ, સિટી બ્યૂટીફિકેશનના પ્રોજેક્ટમાં વધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે મહાનગરમાં ટ્રાફિકની મુશ્કેલી, વસ્તી ગીચતા સૌથી મોટા અને અગત્યના પ્રશ્નો છે. 
આ સમગ્ર મુદ્દાને ધ્યાને રાખીને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ અને ઓછામાં ઓછા અવરોધ સાથે વાહનોની ગતિ જળવાઈ રહે એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવા માટે વિચારણા થઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની મુલાકાત માટે આવતા દેશ વિદેશના વ્યવસાયિકો તેમજ પ્રવાસીઓ માટે સાર્વજનિક સ્થળ વધારે આકર્ષક બને, શહેર સુંદર દેખાય, સ્વચ્છ દેખાય તથા લાઈટિંગ સાથે સજ્જ રહે એ પ્રકારના કામને પ્રાથમિકતા આપીને તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. 

પ્રદૂષણનો મુદ્દો ચર્ચાયો

આ ઉપરાંત મહાનગરમાં વધી રહેલા પ્રદૂષણનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ગરમીની તીવ્રતાને ઓછી કરવા માટે ગ્રીન કવર વધારવાની જરૂરિયાતને પણ અગ્રતા અપાશે. આ સાથે મહાનગરમાં બગીચાઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.આ માટે જરૂરી વૃક્ષારોપણ, વૃક્ષારોપણ ડ્રાઈવ જેવા અભિયાન યોજાશે. આવતા જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ 2027 યોજાશે. 

વર્ષ 2030માં કોમનવેલ્થ યોજાશે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને અત્યારથી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ માટે આયોજનબદ્ધ રીતે પગલાં લેવાઈ રહ્યા છે. આનાથી મુલાકાત લેતા પ્રવાસીઓની સાથે નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો થશે. ગુજરાતના ચારેય શહેરમાં ખાસ એવા વારસાની સાથે વૈવિધ્ય અને સુવિધા સાથે સુગમતા મળી રહેશે. ખાસક રીને સૌરાષ્ટ્રના શહેર અને અમદાવાદ સિવાયના મહાનગરમાં આ પ્રકારના પ્રોજેક્ટથી ઘણો ફેર પડશે.