ભુજઃ કંડલા ખાતે તાજેતરમાં સામે આવેલા કરોડો રૂપિયાના ખજૂર કાંડની તપાસ હજુ પૂર્ણ નથી થઈ, તેવામાં મુન્દ્રા પોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું ડ્યુટી ચોરીનું વધુ એક મોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા શંકાના આધારે અટકાવવામાં આવેલા ૧૧૧ કન્ટેનરો પૈકી ૮ કન્ટેનરોમાં ડ્યુટી ચોરીની સંડોવણી જણાતાં તેને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી પ્રાથમિક વિગતો મુજબ, પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર ૨૦૦ ટકા જેટલી તોતિંગ આયાત ડ્યુટી લાદી સંપૂર્ણ પાબંધી મૂકી દીધી છે. તેમ છતાં કેટલાક દેશવિરોધી તત્વો પાકિસ્તાનથી આવતો ખજૂરનો જથ્થો પહેલાં દુબઈ કે અન્ય ત્રીજા દેશમાં મોકલી, ત્યાંથી બોગસ કન્ટ્રી ઓફ ઓરિજિન પ્રમાણપત્ર ઊભા કરી ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચતા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ કંડલા બંદર પર આવા જ ખજૂરકાંડમાં પવન ગોયલ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી, જેના જામીન પણ નામદાર અદાલતે ફગાવી દીધા હતા. હાલ ડીઆરઆઈ અને સુરક્ષા એજન્સીઓએ મુન્દ્રાના ૮ કન્ટેનરો અટકાવી તપાસ લંબાવી છે.
કંડલા અને મુન્દ્રા બંને પ્રકરણમાં કયા કસ્ટમ હાઉસ એજન્ટની સંડોવણી છે અને નાપાક પાડોશી દેશથી પ્રતિબંધિત માલ મંગાવી ભારતની સુરક્ષા તથા તિજોરીને નુકસાન પહોંચાડનારા મુખ્ય સૂત્રધારો કોણ છે તે દિશામાં સઘન તપાસ હાલ ચાલુ હોવાનું જાણવા મળે છે.
(ઉત્સવ વૈદ્ય)