Tue Oct 06 2026

Logo

મોજની ખોજઃ ફક્ત સુગંધ પહેરીને ફૂલ ન થવાય, ખરી જવાની પણ હિંમત જોઈએ

2026-09-08 10:09:00
Author: Shubhas Thakar
મોજની ખોજઃ ફક્ત સુગંધ પહેરીને ફૂલ ન થવાય, ખરી જવાની પણ હિંમત જોઈએ

 

સુભાષ ઠાકર


યુ નો? આપણુ મન એટલે ઇચ્છાઓ ઉત્પન્ન કરતું કારખાનું. હમણાં જ આપણે ઊજવેલી આ જન્માષ્ટમીએ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણનો ઠાઠ-ઠઠારો જોઈ મને પણ કૃષ્ણ બનવાની ઇચ્છા થઈ ને મેં કલ્પના કરી કે હું પણ પીતાંબર ને મુગટની જગાએ શક્તિ મુજબ ધોતિયું ને ટોપી પહેરીને, મોરપીંછને બદલે કાગ-પીછ કે કબૂતર-પીછને કલર કરી ટોપીમાં લગાડી, રામદેવ બાબાનું યોગાસન કરતો હોઉં એમ સાણસી જેવી પગની આંટી મારી ઊભો હોઉં. બાજુમાં રંગીન ચણીયાચોળીમાં મારી કલ્પનાની રાધા ઘડિયાળમાં છમાં પાંચ બાકી હોય એમ ડોક નમાવી ઊભી હોય. પ્રદર્શનમાં ફસાયેલું ટોળું અંદર મારા દર્શન માટે તળાવમાં ફરતા બતકોની જેમ ડોકીઓ ઊંચી-નીચી કરતી હોય. આહાહાહા વોટ એ સીન! જલસો પડી જાય. 

હવે સવાલ એ હતો કે કૃષ્ણની વાંસળી પર અદ્ભુત માસ્ટરી. પણ આ કાનુડો વાંસળીથી આગળ કેમ ન વધ્યો? ને વધ્યો હોય તો પણ આપણે તબલા પર થાપ મારતા હાર્મોનિયમ પર સૂર મેળવતા ફોટા કે મૂર્તિ જોયા નથી. એના હાથમાં વાંસળી જોતા મને પણ વાંસળી વગાડવાનું તુત ઉપડ્યું. બાકી વન્સ અપોન એ ટાઇમ મને ગાવાની ખુજલી ઉપડેલી ને એક જમાનામાં મારા કંઠનો લાભ આપવા ક્યારેક તો મારું ગળુ બેસી જાય ને સાંભળનારા ઊભા થઈ જાય ત્યાં સુધી ગાવાનું ચાલુ રાખેલું.

મેં તો એકવાર ભજન ગાયેલું ‘કાનુડા તું જીવનભર મારે સંગ રહેજે’ ત્યાં કોઈ દર્શક બોલ્યો ‘એના કરતાં કાલથી જીવનભર તું તારા ઘરે રહેજે’ ત્યારથી મને કાળજે એવો જોરદાર ઘા લાગેલો એ તો રામબાણ વાગ્યા હોય એ જાણે.

અંતે સમાજના લાભાર્થે મેં મારા કંઠનું બલિદાન આપી મન વાળ્યુ વાંસળી તરફ. ચોખ્ખીને ચટ વાત કરું તો કૃષ્ણ વાંસળી વગાડે તો રાધા કે ગોપીઓ ખેંચાઈ આવે ને હું વગાડું તો ઉઘરાણી વાળા આવી જતા. એકવાર તો મેં વાંસળી વગાડી તો મારાં લગ્નના વરઘોડાના લેણદારો આવી મને ધમકાવવા લાગ્યા ‘ઇજ્જત જેવી કોઈ હજી પણ બચી હોય ને વહાલી હોય તો તમારા નઈ, તમારા બાપુજીના પણ નઈ, પણ તમારા દાદા જયારે પરણવા ઘોડા પર ચડેલા ત્યારના બૅન્ડવાજાની રકમ બાકી નીકળે છે. બોલો ક્યારે ચૂકવો છો?’

ત્યાં તો મારી પત્ની સુરુ આખો હવાલો પોતાના પર લેતાં બોલી: ‘એય બાકીની સગલી. અમે કઈ ભાગી ગયા? મરી ગયા? આટલી જલદી (!) ઉઘરાણી કરો છો? બહુ ઉતાવળ હોય તો ખેંચી જાઓ આ મારા ગગાને તમારા ગ્રૂપમાં. થાય એટલા વસૂલ કરજો ને છતાં પૂરા ન થાય તો અમારા દીકરાનાં લગનમાં વગાડી બધા એક સાથે લઈ જજો. બસ?. યુ નો? મારો ગગો નાક દ્વારા વાંસળી વગાડે છે.’

એ વખતે બૅન્ડવાજાવાળાઓના ચહેરા ચોળાયેલી ચાદર જેવા થઈ ગયા ને બોલ્યા ‘શરમ આવવી જોઈએ.’
સુરુ તુરત બોલી ‘એ જ તો કહું છું. તોયે ક્યાં શરમાઓ છો?’
‘અરે અમને નઈ, તમને શરમ આવવી જોઈએ નાક દ્વારા વગાડેલી વાંસળી વગાડી અમારા જીવન પણ ખારા નથી બનાવવા, સમજ્યા?’

મેં કીધું : ‘આવું અશુભ ન બોલો વહાલા. મીઠું ભલે ખારું હોય પણ રસોઈમાં ભળી જાય તો મીઠું બની જાય.’
આઈ નો કે કાળીયો ઠાકોર વાંસળી વગાડે તો રાધા આંખ બંધ કરી કૃષ્ણના સૂરમાં ખોવાઈ જતી ને હું જ્યારે આંખ 

બંધ કરી સૂર મેળવી વગાડતો ત્યારે મારી સુરુ પણ ખોવાઈ જતી. એકવાર એવી ખોવાઈ ગઈ કે આંખ ખોલ્યા પછી એને શોધવા બે જાસૂસ મોકલવા પડેલા. અંતે પોલીસની મદદથી દોઢ દિવસના ગણપતિ ઘરમાં લાવતા હાઈએ એમ શોધી ઘરે મૂકી ગયા. મેં પૂછ્યું ‘શું થયું સુરુ, ક્યાં ગયેલી?’

ને એ બોલી ‘સુભુ, તમે સંસારમાં મારી સાથે સ્વભાવના સૂર મેળવી શક્યા નથી ને વાંસળીના સૂર છેડવા બેઠા છો? ધિક્કાર છે. કૃષ્ણ બનવાને રવાડે તો ચડ્યા છો પણ એ બનતાં પહેલાં એની જીવનની મુશ્કેલીઓ જાણો છો? એ તકલીફોમાંથી પસાર થઈ શકશો?’

‘અરે, ભગવાન મુશ્કેલીમાં?’ મેં પૂછ્યું.

‘હા, ધ્યાનથી સાંભળી મને જવાબ આપો. અહીં પરિવારમાં ઘરનાને કોઈ પૂરી વાત પૂરી સમજાવી શકતા નથી તો મહાભારતના યુદ્ધમાં અર્જુનને શું સમજાવશો? હવે કુરુક્ષેત્ર જેવા મેદાન અસ્તિત્વમાં જ નથી તો તમારા રથનું પાર્કિંગ ક્યાં કરશો? તમે પત્તામાં સરખી તીનપત્તી નથી રમી શકતા તો અહીં તો મોટું રાજકારણ રમવું પડશે. ડોન્ટ ફિલ બૅડ બકા પણ અહીં તમે મને બરાબર સાચવી શકતા નથી તો રાધા-રુકમણી, ગોપીઓ, મીરાં ને બોનસમાં મેળવેલી સોળ હજારને કેમ સાચવશો? 

તમે મને એક હાથ રૂમાલ અપાવવામાં ગલ્લાતલ્લા કરો છો તો દ્રૌપદીને હોલસેલમાં સાડીઓ કેવી રીતે પૂરશો? તારા હાથમાં પકડેલો ચાનો કપ થરથર ધ્રુજે છે તો ગોવર્ધન ક્યાંથી ઉપાડીશ? એ યુગમાં કૃષ્ણએ એના સુકલકડી સુદામા પર કેવી કૃપા કરેલી ને આજે તો તમેં પોતે જ ગળી ગયેલા કેળા જેવો સુદામા જેવા થઈ ગયા છો. મહત્ત્વનું તમે વાંસળી વગાડી શકશો, પણ કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂંકી શકશો?’

‘જન્મથી જ સંઘર્ષ ને સંઘર્ષ છતાં ચહેરા પર પ્રસન્નતા અદ્ભુત. અઘરું છે સુભુ, ફક્ત સુગંધ પહેરીને ફૂલ ન થવાય ખરી જવાની પણ હિમ્મત જોઈએ.’
‘બસ સુરુ, મને કૃષ્ણ બનવાના કોઈ અભરખા નથી. તું બોલ ‘કૃષ્ણ કનૈયાલાલકી જય.’ 
શું કહો છો?