રેખા દેશરાજ
સવારની ભાગદોડ, મોડી રાત સુધી મોબાઇલ સ્ક્રીન પર ચોંટી રહેવું, કામનું સતત દબાણ, જંક ફૂડનું વધતું વ્યસન, સતત ઘટતી ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો એ બધાં પરિબળો છે જેના કારણે છેલ્લા દાયકામાં ભારતીયો માટે હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા બની ગયું છે. આ કોઈ નાની સમસ્યા નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ખતરો છે. દર વર્ષે 10 લાખથી વધુ ભારતીયો, જેમની ઉંમર સામાન્ય રીતે 30થી 40 વર્ષની વચ્ચે છે, તેમના માટે હાઈ બ્લડ પ્રેશર ‘સાઇલન્ટ કિલર’ બનીને સામે આવ્યું છે.
‘સાઇલન્ટ કિલર’ એટલા માટે કારણ કે ભલે શરીરમાં તેનો પાયો ધીમે ધીમે નખાતો હોય, પરંતુ લાંબા સમય સુધી તેના વિશે કશું જ ખબર પડતી નથી. સામાન્ય રીતે તેના વિશે ત્યારે જ ખબર પડે છે, જ્યારે તે શરીરને જબરદસ્ત રીતે પોતાની ચપેટમાં લઈ ચૂક્યું હોય છે. એક જમાનામાં તેને વયોવૃદ્ધ એટલે કે ઘરડા લોકોની બીમારી માનવામાં આવતી હતી, પરંતુ આજે આ 30થી લઈને 50 વર્ષ સુધીના લોકો માટે એક મોટી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. તેના કારણે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને કિડની ફેલ થવા જેવી સમસ્યાઓ મોટા પ્રમાણમાં વધી છે.
કદાચ આ જ કારણ હતું, જેના લીધે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ 2005માં પહેલીવાર દુનિયાને હાઈ બ્લડ પ્રેશર વિશે ચેતવવા માટે કે તેની ભયાનકતા સમજાવવા માટે 17 મેના દિવસને ‘વર્લ્ડ હાઇપર ટેન્શન ડે’ તરીકે ઊજવવાના વિચારને ઔપચારિક મંજૂરી આપી હતી, જેનો પ્રસ્તાવ ‘વર્લ્ડ હાઇપર ટેન્શન લીગ’ દ્વારા કરવામાં આવ્યો હતો.
ભારતમાં વધતી જતી સમસ્યા
આમ તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સમગ્ર વિશ્વની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે, પરંતુ છેલ્લા એક દાયકામાં આ સમસ્યા જેટલી ઝડપથી ભારતમાં વધી છે તેટલી ઝડપથી બીજા કોઈ દેશમાં નથી વધી. તેથી જ ભારતમાં ‘વર્લ્ડ હાઇ બ્લડ પ્રેશર ડે’ કે ‘વર્લ્ડ હાઇપર ટેન્શન ડે’ને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. આ દિવસનો ઉપયોગ લોકોને આ ‘સાઇલન્ટ કિલર’ ગણાતી સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાગૃત કરવા માટે કરવામાં આવે છે અને દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવા માટે કોઈ એક ચોક્કસ રીત પર ભાર મૂકવામાં આવે છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો સમયસર પોતાના બીપી પર નજર રાખે અને તેની નિયમિત તપાસ પ્રત્યે સજાગ રહે. વાસ્તવમાં, ભારતમાં દર વર્ષે જેટલા લોકો બીપીના કારણે મોટી અને ભયાનક સમસ્યાઓમાંથી પસાર થાય છે, તેમાંથી મોટાભાગના લોકોને તે પહેલાં બીપી વિશે કોઈ ખાસ જાણકારી હોતી નથી અથવા જાણકારી હોય છે પણ તેઓ તેના પ્રત્યે ઉદાસીન હોય છે. દેશમાં દર વર્ષે લાખો લોકો જે સ્ટ્રોક અને લકવાનો શિકાર બને છે, તેમાંથી લગભગ અડધા કે તેથી વધુ કેસો બીપીને ગંભીરતાથી ન લેવાને કારણે અથવા તેના પ્રત્યે બેદરકારી દાખવવાને કારણે થાય છે. તેથી જ, આ દિવસ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીયો માટે વધુ મહત્ત્વપૂર્ણ અને ચેતવણીરૂપ છે.
વધતા બીપીના કારણ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતીયોમાં બ્લડ પ્રેશર વધવાનું સૌથી મોટું કારણ ભરપૂર પ્રમાણમાં અથાણાં, પાપડ, નમકીન, ઇન્સ્ટન્ટ ફૂડ અને પૅકેટવાળા સ્નેક્સ ખાવાનું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મોટાભાગના ભારતીયો લાંબા સમય સુધી બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે અત્યંત બેદરકાર હોય છે. આપણી ખાનપાનની શૈલીમાં એવી અનેક વસ્તુઓ તો સામેલ છે જે બ્લડ પ્રેશર વધારે છે, તેનાથી પણ મોટી વાત એ છે કે ભારતીયોને વધુ પડતું મીઠું ખાવાની આદત છે અને આ મીઠું બ્લડ પ્રેશરની સમસ્યાનાં મુખ્ય કારણોમાંનું એક છે.
રસપ્રદ વાત એ છે કે આપણે ભારતીયોની ખાવા-પીવાની રીત એવી છે કે વારંવાર કહેવા અને ચેતવણી આપવા છતાં મોટાભાગના લોકો એ સ્વીકારી જ શકતા નથી કે તેઓ વધુ પડતું મીઠું ખાઈ રહ્યા છે, કારણ કે આપણને તેની આદત પડી ગઈ છે. પહેલાના સમયમાં આપણી જીવનશૈલી આટલી તણાવપૂર્ણ નહોતી, જેના કારણે વધુ મીઠું ખાવા છતાં આપણે આ સમસ્યાનો ભોગ બનતા નહોતા, પરંતુ આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાનપાનની અનિયમિત રીતોને કારણે આપણે આ બીમારીનો શિકાર બની ચૂક્યા છીએ.
ખાંડ અને સ્થૂળતા પણ બ્લડ પ્રેશર સાથે સંબંધિત
ભારતમાં ડાયાબિટીસ અને સ્થૂળતાના વધતા જતા કિસ્સાઓ પણ હાઈ બ્લડ પ્રેશર સાથે જોડાયેલા છે. જ્યારે સ્થૂળતા વધે છે ત્યારે હૃદયને શરીરની રક્તવાહિનીઓ સુધી લોહી પહોંચાડવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડે છે. આનાથી આપણી ધમનીઓ પર દબાણ વધે છે અને અભ્યાસ દર્શાવે છે કે પેટની આસપાસ જમા થયેલી ચરબી હાઈ બ્લડ પ્રેશરના મોટા કારણનો સંકેત છે.
કહેવાનો અર્થ એ છે કે જો તમારી કમરનો ઘેરાવો વધી રહ્યો હોય અથવા ફાંદ બહાર આવી રહી હોય તો તે માત્ર તમારી સુંદરતા જ નથી બગાડી રહી, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો છે. પરંતુ અસલી સમસ્યા એ જ છે કે 90 ટકા ભારતીયોને ખબર જ નથી પડતી કે તેઓ ખરેખર હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે, કારણ કે સામાન્ય રીતે આપણને કોઈ મજબૂરી કે ઇમર્જન્સી વગર કોઈ પણ ટેસ્ટ કરાવવાની આદત જ નથી હોતી.
આ જ કારણ છે કે જ્યાં સુધી આપણે કોઈ સમસ્યાનો શિકાર ન થઈ જઈએ ત્યાં સુધી બ્લડ પ્રેશર પર કોઈ ધ્યાન જ નથી આપતું. મોટાં શહેરોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધીરે ધીરે લોકો હાઈ બ્લડ પ્રેશરને લઈને સજાગ થઈ રહ્યા છે, પરંતુ નાનાં શહેરો, કસબાઓ અને ગામડાંઓમાં તો આવી સજાગતા આજે પણ એક ‘લક્ઝરી’ સમાન છે. પરિણામ એ આવે છે કે આટલા સમજદાર હોવા છતાં, આપણામાંના મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ પ્રેશરથી અજાણ જ હોય છે; જો સમયસર આ વિશે જાણી લેવામાં આવે તો તેનાથી સરળતાથી બચી શકાય છે.
બચાવના માર્ગ શું છે?
- સૌથી પહેલો અસરકારક ઉપાય આપણી જીવનશૈલીમાં સુધારો છે.
- દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછી 30 મિનિટ ઝડપથી ચાલવાની ટેવ પાડો, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
- યોગ અને પ્રાણાયામને તમારી જીવનશૈલીનો હિસ્સો બનાવી લો. તેનાથી બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે.
- ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછો કરો. પૅકેટવાળા સ્નેક્સ, ફાસ્ટ ફૂડ અથવા વધુ પડતા તળેલા ખોરાકથી દૂર રહો.
- ફળો, લીલા શાકભાજી અને આખા અનાજને તમારા રોજિંદા આહારનો મહત્ત્વનો ભાગ બનાવો.
- પુષ્કળ પાણી પીઓ, શરીરને સંતુલિત રાખવામાં આ ઉપાયો કારગર નીવડે છે.