Mon Sep 28 2026

Logo

વડોદરામાં પીએમ મોદીની સભામાં Gen-Z કેવા પોસ્ટરો લઈને પહોંચ્યા, જુઓ તસવીરો

2026-09-08 13:33:00
Author: Mayur Patel
વડોદરામાં પીએમ મોદીની સભામાં Gen-Z કેવા પોસ્ટરો લઈને પહોંચ્યા, જુઓ તસવીરો

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી આજે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. જે બાદ તેમણે સભામાં ઉપસ્થિત રહેતા Gen-Z સહિતના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું આજે હું વિકસિત ભારતના નિર્માણની યાત્રાને વધુ ગતિ આપવા માટે તમારી વચ્ચે આવ્યો છું. હમણાં થોડા સમય પહેલાં જ, અહીં દેશના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે. વિકાસના આ ઉત્સવમાં, આપ સૌએ સેવાભાવ સાથે સમગ્ર વડોદરા શહેરમાં સ્વચ્છતા દ્વારા જે રીતે સ્વાગત અભિયાન ચલાવ્યું છે—તે માટે હું વડોદરાના પ્રત્યેક નાગરિકને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમની પ્રશંસા કરું છું.

મોદીએ Gen-Zને સંબોધન કરતાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું, નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે, 2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા. જુની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી. સભામાં  Gen-Z પણ વિવિધ પોસ્ટરો લઈને આવ્યા હતા. જેમાં કેટલાક આકર્ષણના કેન્દ્રો બન્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું, 2,800 કરોડથી વધુના ખર્ચે બનેલા ડેડિકેટેડ કોરિડોરની છેલ્લી કડી જોડી દેવાઈ છે. 2004માં વિચારાયેલો અને 2014 સુધી ફાઈલોમાં અટવાયેલો આ પ્રોજેક્ટ હવે ઝડપથી પૂર્ણ થઈ ચૂક્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર હાલ 430થી વધુ માલગાડીઓ દોડે છે, જેનાથી 30 કલાકનો પ્રવાસ ઘટીને માત્ર 12 કલાકનો થઈ ગયો છે.

આ ઉપરાંત કહ્યું, એનપીટી (મુંબઈ)થી વડોદરા સુધી ડબલ સ્ટેક કન્ટેનર માલગાડી શરૂ કરાઈ છે, જે એક ફેરામાં 250થી વધુ ટ્રકો જેટલો માલસામાન પહોંચાડે છે. આનાથી ખેડૂતોના ફળ, ફૂલ અને અન્ય પાક ઝડપથી મોટા બજારો સુધી પહોંચશે. રેલવેનું આ વર્ષનું બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ રહ્યું છે. 2014 પછી દેશે 50,000 આધુનિક રેલ કોચ અને અઢી લાખ વેગન બનાવ્યા છે. વડોદરા હવે દેશના પ્રથમ 'મેડ ઈન ઈન્ડિયા' ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના નિર્માણનું કેન્દ્ર બની ચૂક્યું છે.

પીએમ મોદીએ જણાવ્યું, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે સરકાર ટૂંક સમયમાં મફત ઓનલાઇન કોચિંગની સુવિધા શરૂ કરશે. આ ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દેશના યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં સક્ષમ બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.

અંતમાં પીએમ મોદીએ શહેરની સ્વચ્છતા અને સેવાભાવની સરાહના કરતાં કહ્યું કે આગામી ગણેશોત્સવમાં વડોદરાને વિશેષ આશીર્વાદ મળશે. તેમણે સભામાં ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સંબોધન પૂર્ણ કર્યું હતું.