Mon Oct 05 2026

Logo

ઈક્વિટી માર્કેટ પર ભૂરાજકીય તણાવનાં અહેવાલો અને ક્રૂડ તેલના ભાવની વધઘટની અસર જોવા મળશે

2026-09-27 17:53:23
Author: Ramesh Gohil
ઈક્વિટી માર્કેટ પર ભૂરાજકીય તણાવનાં અહેવાલો અને ક્રૂડ તેલના ભાવની વધઘટની અસર જોવા મળશે

નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાનાં કે યથાવત્‌‍ રહેવાના અહેવાલોને ધ્યાનમાં લેતા થનારી ક્રૂડ તેલના ભાવની વધઘટ, ડૉલર ઈન્ડેક્સ સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ, આર્થિક ડેટાઓની જાહેરાત પર રોકાણકારોની નજર રહેશે અને ઈક્વિટી માર્કેટની વધઘટ અવલંબિત રહેશે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું. જોકે, વર્તમાન સપ્તાહે બીજી ઑક્ટોબરે શુક્રવારે બજાર ગાંધી જયંતી નિમિત્તે બંધ રહેનાર હોવાથી સપ્તાહ દરમિયાન કામકાજના માત્ર ચાર સત્ર જ રહેશે. 

વિશ્લેષકોના મતાનુસાર અમેરિકા અને ઈરાનની રાજદ્વારી સ્તરની વાટાઘાટો અને ક્રૂડ તેલના ભાવની વધઘટ બજારનાં મુખ્ય ચાલક બળ રહેશે. વધુમાં ક્રૂડ તેલના ભાવ, ભૂરાજકીય સ્તરે થતાં ફેરફારો અને અમેરિકી બૉન્ડની યિલ્ડની વધઘટની બજાર પર ટૂંકા સમયગાળાની અસર જોવા મળશે.

.અમેરિકા અને ઈરાન વચ્ચે રાજકીય સ્તરે થતી વાટાઘાટોની પ્રગતિ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા માટેનાં ઉકેલને ધ્યાનમાં લેતા તેની ક્રૂડ તેલના ભાવ પર અસર રહેશે. જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલવાનો આશાવાદ પ્રબળ બનશે તો ક્રૂડ તેલના ભાવ નીચે આવશે અને ભારતનું આયાત બિલ વધવાનું જોખમ હળવુડ થવાની સાથે ડૉલર સામે રૂપિયા પરનું દબાણ પણ હળવું થશે, એમ રેલિગેર બ્રોકિંગના રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે જો ભૂરાજકીય તણાવની ચિંતા સપાટી પર રહેશે તો ચંચળતાનું પ્રમાણ વધતા બજાર દબાણ હેઠળ આવી શકે છે. 

વધુમાં આગામી 27-28 ઑક્ટોબરે અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક હોવાથી આગામી સમયગાળામાં અમેરિકી બૉન્ડની યિલ્ડ પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે. જો બૉન્ડની યિલ્ડ અને ડૉલરમાં સુધારો થશે તો તેની માઠી અસર ઊભરતી બજારોના મૂડીગત્‌‍ પ્રવાહ પર પડશે, અને ઘટાડો થશે તો ભારત સહિતની ઊભરતી બજારોમાં રાહત જોવા મળી શકે છે, જ્યારે સ્થાનિક સ્તરે રોકાણકારોની નજર સપ્તાહ દરમિયાન જાહેર થનારા ઑગસ્ટ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા અને સપ્ટેમ્બર મહિનાના એચએસબીસી મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા પર રહેશે, એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે આ સિવાય બજાર વર્તુળોની નજર વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચ અને પહેલી ઑક્ટોબરે જાહેર થનારા ઑટોમોબાઈલના રિટેલ વેચાણના ડેટા પર પણ રહેશે. 

સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયાની વધઘટ પણ મહત્ત્વનું પરિબળ રહેશે. એકંદરે ક્રૂડતેલના આયાતકારોની ડૉલરમાં માગ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્યપ્રવાહ રૂપિયાને દબાણ હેઠળ રાખી રહ્યો છે. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો હાજર બજારમાં સમયાંતરે હસ્તક્ષેપ રહેતાં રૂપિયામાં ચંચળતા ઓછી રહેતી હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટૅક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવતા ઉમેર્યું હતું કે આ સપ્તાહ દરમિયાન અમેરિકાના ઘણાં આર્થિક ડેટાઓની જાહેરાત થનાર છે, જેની વૈશ્વિક જોખમો પર અસર પડતી હોવાથી રોકાણકારોની નજર આર્થિક ડેટાઓ પર પણ મંડાયેલી રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ક્રૂડ તેલના ઊંચા ભાવ અને બૉન્ડની યિલ્ડ ઊંચી સપાટીએ રહી હોવાથી ગત સપ્તાહના મધ્યમાં બજારમાં વેચવાલીનું તીવ્ર દબાણ જોવા મળ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 399.22 પૉઈન્ટ અથવા તો 0.53 ટકા અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 205.90 પૉઈન્ટ અથવા તો 0.88 ટકા ઘટીને બંધ રહ્યો હતો. જોકે, સપ્તાહના અંતે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 105-106 ડૉલરની ઊંચી સપાટીએ રહ્યો હતો.

જો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં પ્રગતિ થાય અને ભૂરાજકીય જોખમ હળવાં થાય તો ક્રૂડતેલના ભાવ ઘટી શકે છે, પરંતુ જો તણાવ વધે અને ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ સપાટી પર રહે તો ફુગાવાલક્ષી દબાણ વધવાનું જોખમ સર્જાતા તેની બજાર પર માઠી અસર પડી શકે છે, એમ રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વૅલ્થનાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્ણને જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં અમેરિકાના 10 વર્ષીય બૉન્ડની ઊપજ 5.2 ટકાની ઊંચી સપાટીએ હોવાથી વૈશ્વિક સ્તરે જોખમ લેવાની વૃત્તિ સામે અવરોધક બની રહે છે. 

વધુમાં વૅલ્થ મેનેજમેન્ટ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે ઑગસ્ટ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનનાં ડેટા અને રાજકોષીય ખાધના ડેટાની બજાર પર અસર જોવા મળશે, જ્યારે વૈશ્વિક બજાર પર અમેરિકાના ક્નઝ્યુમર કોન્ફિડૅન્સનાં ડેટા, રોજગારીનાં ડેટા અને યુરોઝોનનાં સપ્ટેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની અસર જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.