Tue Oct 06 2026

Logo

તહેવારોમાં પડશે વધુ એક ફટકોઃ આગામી મહિનાથી ટીવી-એસી ખરીદવાનું પડશે 'મોંઘું'

2026-09-27 17:31:39
Author: Devayat Khatana
તહેવારોમાં પડશે વધુ એક ફટકોઃ આગામી મહિનાથી ટીવી-એસી ખરીદવાનું પડશે 'મોંઘું'

નવી દિલ્હીઃ એક તરફ મોંઘવારીમાં થઈ રહેલા વધારાથી જનતા પરેશાન છે ત્યારે દર મહિના દરમિયાન નાના-મોટા ખર્ચાઓને જનતાના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે. ગયા મહિના દરમિયાન દૂધથી લઈને સાકરના ભાવે જનતાને દઝાડ્યા હતા, ત્યારે આગામી મહિનામાં તહેવારોની સિઝનમાં ટેલિવિઝન, એસી, વોશિંગ મશીન સહિત અન્ય વસ્તુઓ ખરીદવાનું મોંઘું થશે.

દેશમાં હવે દશેરા-દિવાળી જેવા મહત્વના પર્વ નજીકમાં છે ત્યારે તેની રોનક પણ ધીમે ધીમે અત્યારથી જ બજારમાં દેખાવા લાગી છે. પણ આગામી મહિનાથી ટીવી, એસી અને વોશિંગ મશીન જેવી ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની કિંમતોમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે.

અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ કંપનીઓએ તહેવારોની આ સિઝનમાં ગ્રાહકોને મોટો ઝટકો આપતા વિવિધ ઉપકરણોની કિંમતોમાં 8 ટકા સુધીનો વધારો કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જેનાથી તહેવારી ખરીદી મોંઘી બની શકે તેવા એંધાણ છે.

ઉદ્યોગ જગતના અહેવાલો અનુસાર, વર્ષ 2026માં કિંમતોમાં વધારો થવાનો આ ત્રીજો દૌર છે. તાંબુ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઈલ જેવા મુખ્ય કાચા માલની ઉત્પાદન કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, માલસામાનનું ભાડું એટલે કે ફ્રેટ ચાર્જ પણ વધ્યો છે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા તથા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ધાતુઓ ભારે મોંઘી બની છે, જેનાથી કંપનીઓ પર ઉત્પાદન ખર્ચનું દબાણ સતત વધી રહ્યું છે, તેવો દાવો અહેવાલોમાં કરવામાં આવ્યો છે.

આ ભાવવધારાની સૌથી સીધી અને મોટી અસર એર કંડિશનર (AC) પર જોવા મળશે, જેની કિંમતોમાં તુરંત પાંચથી 8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ સાથે જ LED ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટરના ભાવમાં પણ 3 થી 4 ટકા સુધીનો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે. બ્લુ સ્ટાર, ગોદરેજ અપ્લાયન્સિસ, હાયર અને ડાઈકિન જેવી દિગ્ગજ કંપનીઓએ પોતાના ઉત્પાદનોના ભાવ વધારવાની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે અને કેટલાક સ્થળોએ આ અમલ શરૂ પણ થઈ ગયો છે.

કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાછલા વર્ષની સરખામણીમાં એકંદર ઉત્પાદન ખર્ચમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જોકે જીએસટીથી મળનારા કેટલાક ટેક્સ લાભોને કારણે ગ્રાહકો પર તેનો પ્રભાવ આંશિક રીતે ઘટીને આશરે ૫ ટકા જેટલો રહેશે. આમ છતાં, તહેવારોના આ શુભ અવસર પર ઘર માટે નવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા જઈ રહેલા ગ્રાહકોએ આ વર્ષે વધુ નાણાં ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.