નવી દિલ્હીઃ સાનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને મોટી કંપનીઓને આકર્ષવાની ક્ષમતાને કારણે ઉત્તર પ્રદેશ રોકાણ માટે પસંદગીના મથક તરીકે ઊભરી આવ્યું હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.
અત્રે ગે્રટર નોએડામાં આયોજિત યુપી ઈન્ટરનેશનલ ટ્રેડ શૉને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યની મહેસૂલી આવકમાં થયેલો વધારો રાજ્યના વિકાસ માટે મદદરૂપ બન્યો છે. રાજ્યમાંથી હાલ વર્ષે રૂ. બે લાખ કરોડની નિકાસ થાય છે અને આગામી વર્ષ 2030 સુધીમાં રૂ. પાંચ લાખ કરોડની નિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
એકંદરે ઉત્તર પ્રદેશ રોકાણ માટે પસંદગીનું રાજ્ય બનવાનું મુખ્ય કરણ સાનુકૂળ ઔદ્યોગિક નીતિ છે. આથી જ તમામ ક્ષેત્રમાં મોટા કોર્પોરેશનો અને વૈશ્વિક રોકાણકારો આવી રહ્યા છે અને રોજગારીની નવી તકો સર્જી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016-17માં એક્સાઈઝ કલેક્શન જે રૂ. 14,273 કરોડ હતું તે વર્ષ 2025-26માં વધીને રૂ. 60,728 કરોડના સ્તરે રહ્યું હતું અને વર્તમાન નાણાકીય વર્ષના અંતે રૂ. 70,000 કરોડની સપાટીએ રહેવાનો અંદાજ છે.
વધુમાં સ્ટેમ્પ ડ્યૂટી સહિત જમીન ટ્રાન્સફર રજિસ્ટ્રેશન ફીની વસૂલી જે વર્ષ 2016-17માં રૂ. 11,564 કરોડના સ્તરે હતી તે વર્ષ 2026-27માં વધીને રૂ. 43,802 કરોડની સપાટીએ રહી છે. તે જ પ્રમાણે રજિસ્ટર્ડ ખનનની મહેસૂલીમાં પણ વધારો થયો છે અને આ તમામ રકમનો ઉપયોગ રાજ્યના આર્થિક વિકાસમાં થઈ રહ્યો હોવાનું ગોયલે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના આગામી વિકાસ વૈશ્વિક બજારોમાં નિકાસના વિસ્તરણમાં, આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષવામાં, પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરીને રાજ્યની વિશ્વમાં બ્રાન્ડ તરીકે ઓળખ ઊભી કરવામાં રહેલો છે.