Tue Oct 06 2026

Logo

દિલ્હીઃ મંત્રી પ્રવેશ વર્માએ યુવકને મારી થપ્પડ, અરવિંદ કેજરીવાલે ધરપકડની કરી માંગ

2026-09-27 18:05:41
Author: Mumbai Samachar Team
દિલ્હીઃ મંત્રી પ્રવેશ વર્માએ યુવકને મારી થપ્પડ, અરવિંદ કેજરીવાલે ધરપકડની કરી માંગ

દિલ્હીની રેખા ગુપ્તા સરકારમાં કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ રવિવાર (27 સપ્ટેમ્બર)ના રોજ એક યુવકને જોરદાર થપ્પડ મારી. વીડિયો વાયરલ થયા બાદ હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુસ્સે ભરાયા છે. કેજરીવાલે પ્રવેશ વર્માની ધરપકડની માંગ કરી છે. 

અરવિંદ કેજરીવાલે એક આપ નેતા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને રિપોસ્ટ કર્યો છે. તેમાં તેમણે લખ્યું કે મંત્રીની ધરપકડ કરો. હું આવતીકાલે ત્યાં જઇશ. મહત્વનું છે કે PWD મંત્રી પ્રવેશ વર્મા તિલક નગર વિસ્તારમાં પહોંચ્યા હતા. દરમ્યાન નાગરિકોએ ત્યાં નવો રોડ તોડીને બતાવ્યો. દરમ્યાન એક યુવક તેમનો વીડિયો બનાવવા લાગ્યો. ગુસ્સામાં આવીને મંત્રીએ યુવકને થપ્પડ મારી દીધી. 

આપ નેતાઓએ પ્રવેશ વર્માનો ઘેરાવ કર્યો  

આપ નેતાઓએ પ્રવેશ વર્મા દ્વારા યુવકને થપ્પડ મારતા તેમનો ઘેરાવ કર્યો હતો. આપ નેતા સૌરભ ભારદ્ધાજે વીડિયો પર કહ્યું કે આ ઘટનાથી પ્રવેશ વર્માએ તેમની કાયરતા આખી દુનિયાને બતાવી દીધી છે. તેમના વિભાગ દ્વારા  તિલક નગરમાં ખરાબ ગુણવતાનો રસ્તો બનાવાયો, જેનો વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

સૌરભ ભારદ્નાજે જણાવ્યું કે રસ્તાની સ્થિતિ જોવા માટે તેઓ આજે જાતે ત્યાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહ્યું કે તમે આ રસ્તાને હાથથી તોડીને બતાવો કે ગુણવત્તા કેટલી ખરાબ છે. જ્યારે અમારા ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ ડામરના રસ્તાને હાથથી તોડીને બતાવ્યું કે રસ્તો એકદમ નબળી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો છે, ત્યારે પ્રવેશ વર્મા પાસે કોઈ જવાબ નહોતો અને જે છોકરો વીડિયો બનાવી રહ્યો હતો, તેને તેમણે થપ્પડ મારી દીધી.

તિલકનગરના ધારાસભ્યએ શેર કર્યો વીડિયો 

તિલકનગરથી 'આપ' (AAP) ના ધારાસભ્ય જરનૈલ સિંહે પણ આ વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું કે આ ભારતની રાજધાની દિલ્હીના ભાજપ સરકારના PWD મંત્રી છે. રસ્તાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, પરંતુ કૌભાંડો પર કૌભાંડો ઉજાગર થતા જોઈને તેઓ મગજ ગુમાવી બેઠા અને વીડિયો રેકોર્ડ કરી રહેલા મારા સાથી સાથે ગુંડાગીરી કરી.