(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં 0.6 ટકાનો અને ચાંદીના ભાવમાં 1.1 ટકાનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4518નું અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1226થી 1231નું ગાબડું પડ્યું હતું.
તેમ જ આજે વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહી હતી. જોકે, આજે ડૉલર સામે રૂપિયામાં 25 પૈસાનું ધોવાણ થયું હોવાથી આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4518ના ઘટાડા સાથે રૂ. 2,28,248ની સપાટીએ રહ્યા હતા. જોકે, વધુ ઘટાડાના આશાવાદ હેઠળ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1226 ઘટીને રૂ. 1,50,181 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1231 ઘટીને રૂ. 1,50,785ના મથાળે રહ્યા હતા. જોકે, હજુ ભાવ દબાણ હેઠળ આવે તેવી ધારણા હેઠળ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત નિરસ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4261.79 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદાના ભાવ 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4296.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા ઘટીને આૈંસદીઠ 63.79 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની દિશામાં બહુ થોડી પ્રગતિ થઈ હોવાનું જણાતા આજે વિશ્વ બજારમાં ક્રૂડ તેલનામાં અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં બાઉન્સબૅક જોવા મળતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેપિટલ ઈકોનોમિક્સનાં ક્લાઈમેટ અને કૉમૉડિટી વિભાગનાં ઈકોનોમિસ્ચ હમાદ હુસેને જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડ તેલ અને ટ્રેઝરીની યિલ્ડ વધી આવતાં સોનાના સુધારાના આશાવાદ પર પાણી ફરી વળ્યું છે અને ભાવ વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા વધી છે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટમાં કોઈ નક્કર પ્રગતિ ન જણાતા ગઈકાલે ક્રૂડતેલમાં ચાર ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે તેજી આગળ ધપી હતી.
વધુમાં ક્રૂડતેલના વધારા સાથે અમેરિકી ફેડરલ રિઝર્વનાં ગવર્નર માઈકલ બારે વ્યાજદરમાં વધુ વધારાની અને નાણાનીતિ વધુ તંગ રાખવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. આમ ફેડરલના અધિકારીઓના સંકેતો સાથે હવે બજાર વર્તુળો આગામી ઑક્ટોબર મહિનાના ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 69 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા.