ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં સરહદી જિલ્લા ભૂજમાં યોજેલી બેઠકમાં સરહદ રક્ષક દળો, કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા તંત્ર અને નાગરિકો એમ ચાર સ્તંભ આધારિત આ ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડનો ખ્યાલ આપેલો છે.
આ સંદર્ભમાં વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન અંતર્ગત સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ફ્રેમવર્ક મજબૂત અને સંકલિત બનાવવાની દિશામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સામૂહિક મંથન કરવામાં આવ્યુ હતું.
વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી
તેમાં ખાસ કરીને ઘૂસણખોરી, નશીલા પદાર્થો, વસ્તી સંતુલન, આર્થિક ગુના સહિતના 6 મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરીને સરહદી વિસ્તારોમાં થતી આવી ગતિવિધિઓ પર સતત નિગરાની અને પગલાઓ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
360 ડિગ્રી દેખરેખનો દરેક વિભાગનો એપ્રોચ સઘન બનાવવા આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ તંત્રના સંકલનથી થઈ રહેલા આ પ્રયાસની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, 360 ડિગ્રી દેખરેખનો દરેક વિભાગનો એપ્રોચ વધુ સઘન બનાવીને આપણે સરહદી ક્ષેત્રોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ, ઘુસષણખોરી, નશીલા પદાર્થોની હેરફેર અને ગેરકાયદે દબાણો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવો છે કે ગુજરાતમાં હવે આવી પ્રવૃત્તિઓ કે કૃત્યોને ક્યાંય સ્થાન નથી અને આવી પ્રવૃત્તિઓ ચલાવી પણ લેવાશે નહિ.
કામો વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત વિભાગોએ ક્ષમતાથી પણ ઘણુ સારૂ કાર્ય કર્યુ છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે સરહદી વિસ્તારના સેફ્ટી કન્સર્નને અગ્રતા આપતાં કામોને રોજીંદા કામો કરતાં અલગ પ્રકારના ગણાવતાં આવા કામોને સિસ્ટમના તૌર પર લેવા કરતાં ઉત્સાહી અને ખંતીલા લોકોને જોડીને પરિણામદાયી કામો વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો હતો.
દબાણો દૂર કરવાના કામો અટકે નહિ તેની પણ તાકીદ કરી
કેન્દ્રીય અને રાજ્ય સરકારની એજન્સીઝને ઈન્ટીગ્રેટેડ એપ્રોચથી પરસ્પરના સંકલન સાથે કાર્યરત રહેવાનો અનુરોધ કરતાં નાયબ મુખ્યમંત્રીએ દબાણો દૂર કરવાના કામો અટકે નહિ તેની પણ તાકીદ કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ તથા સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વિવિધ વિભાગોના અગ્ર સચિવઓ અને રાજ્ય પોલીસ દળના ડીજીપી, એડીજીપી તથા રેન્જ આઈ.જી. કક્ષાના અધિકારીઓ અને સરહદી જિલ્લાના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો પણ જોડાયા હતા.