Mon Oct 05 2026

Logo

નાણાકીય વર્ષ 2031 સુધીમાં 20 ટકા બજાર હિસ્સો હાંસલ કરવા ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલનો લક્ષ્યાંક

2026-09-27 18:05:50
Author: Ramesh Gohil
નાણાકીય વર્ષ 2031 સુધીમાં 20 ટકા બજાર હિસ્સો હાંસલ કરવા ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ ટૂંક સમયમાં જ સ્થાનિક બજારમાં 15 ટકા હિસ્સો હાંસલ કરશે અને આગામી નાણાકીય વર્ષ 2031 સુધીમાં 20 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાના લક્ષ્યાંકની દિશામાં કાર્ય કરી રહી હોવાનું કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે પેસેન્જર વાહનોમાં સ્ટેન્ડ એલોન ધોરણે કામગીરી થયાં એક વર્ષમાં કંપની નવા ઉત્પાદનોની શ્રેણીમાં રોકાણ કરી રહી છે, ઉત્પાદન સંબંધિત ઝડપી પહેલ અને પાવરટ્રેનના વિસ્તરણ દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવા પર કંપની ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

પીટીઆઈ સાથેની મુલાકાતમાં ચંદ્રાએ જણાવ્યું હતું કે ગત પહેલી ઑક્ટોબરથી પેસેન્જર વાહનોનો વ્યવસાય ટાટા મોટર્સમાંથી વિકેન્દ્રિત થઈને ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ એક સ્વતંત્ર કંપની સ્થાપિત થઈ છે. તેમ જ છેલ્લા એક વર્ષમાં 40 ટકા વૃદ્ધિ થઈ છે અને સપ્ટેમ્બરનાં અંત સુધીમાં વાહનોના કુલ વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 25 ટકા જેટલો છે. 

અમારુ લક્ષ્ય નોંધપાત્ર એટલે કે દ્વિઅંકી સંખ્યામાં વૃદ્ધિ હાંસલ કરવાનું રહેવાની સાથે સાથે શૂન્ય ટકા કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણ અનુકુળ પાવરટ્રેન ક્ષેત્રમાં પણ અમે અગે્રસરની ભૂમિકા ભજવવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત અમારે માત્ર નવી પ્રોડક્ટ શ્રેણીઓ વિકસાવવા કે બજારની નવી તકો ઝડપવા જ નહીં, પરંતુ પ્રોડક્ટને સુસંગત તથા સ્પર્ધાત્મક રાખવા અને ગ્રાહકોને આકર્ષિત કરવાનું જાળવી રાખવા માટે તેમાં ઝડપી ફેરફારો અને સુધારા લાવવા માટે પણ આક્રમક ધોરણે રોકાણ કરવાનું જાળવી રાખવું પડશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

ઉક્ત બાબતને વિસ્તૃતપણે સમજાવતા તેમણે કહ્યું હતું કે તમે જોયુ હશે કે છેલ્લાં એક વર્ષમા અમે કેટલાય સુધારિત મોડૅલ્સ અને મોડૅલના બાહ્ય દેખાવમાં ફેરફાર કરવાની સાથે નવાં વાહનો બજારમાં રજૂ કર્યા છે અને મને વિશ્વાસ છે કે આ મહિનો પૂરો થતાં એક વર્ષ પૂરું થશે ત્યારે અમે લગભગ 7.50 લાખ વાહનોનું વેચાણ કરી ચૂક્યા હશું આમ અમે એકંદરે એક વર્ષમાં 40 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દાખવી છે.

તેમ જ આ સમયગાળામાં અમે ઈલેક્ટ્રિક વાહનોનાં બજાર હિસ્સાને 25 ટકા કરતાં વધુનાં સ્તર સુધી લઈ જવામાં સફળ રહ્યા છીએ, એમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે આમ અમારો સ્થાનિક બજારમાં હિસ્સો 15 ટકાની નજીક છે, પરંતુ હાલના બજાર હિસ્સામાં પાંચ ટકાનો વધુ વધારો કરતાં પાંચ વર્ષ લાગશે. 

કંપની આગામી નાણાકીય વર્ષ 2031 સુધીમાં વાર્ષિક ધોરણે 12 લાખ યુનિટ વાહનોના વેચાણ સાથે 20 ટકા બજાર હિસ્સો અંકે કરવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે અને એ દિશામાં કાર્ય કરી રહી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું કે કંપની બજાર હિસ્સો વધારવા માટે ઘણી તકો જોઈ રહી છે.

તેમાં એવા સેગ્મેન્ટનો પણ સમાવેશ છે કે જ્યાં કંપની હાલમાં હાજર નથી. વિવિધ ભાવનાં સ્તરે બદલવાની ક્ષમતા અને માગ તેમ જ ઝડપથી વિકસતા ઈલેક્ટ્રિક વાહનો અને સીએનજી વાહનો જેવી પાવરટ્રેનનો સમાવેશ થાય છે. મને લાગે છે કે આ વિકાસ અનેક દિશામાં છે. એક તો એવાં સેગ્મેન્ટ છે, જ્યાં આપણે અત્યારે હાજર નથી, પરંતુ અન્ય કંપનીઓ ત્યાં ઉત્પાદનો ઓફર કરી રહી છે. આમ વિકાસનો એક સ્પષ્ટ માર્ગ છે. 

વિકાસનો બીજો માર્ગ એ છે કે દેશમાં લોકોની ખરીદશક્તિ કે પરવડે તેવી ક્ષમતા બદલાઈ રહી છે અને વિવિધ કિંમતો અથવા તો ભાવ પર માગ પણ બદલાઈ રહી છે. અમુક કિંમતના સ્તર પર માગ વધવાની છે તેથી શું આપણે નવાં અને આકર્ષક ઉત્પાદનો રજૂ ન કરી શકીએ ? અને ત્રીજો માર્ગ અલબત્ત પાવરટ્રેનનો છે. ઈલેક્ટ્રિક વાહનો અને સીએનજી ક્ષેત્રે ઉદ્યોગની સરેરાશ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ થવાની છે અને સદ્ભાગ્યે આ બન્ને સેગ્મેન્ટમાં આપણે અગ્રણી છીએ અને બજાર હિસ્સો પણ એકંદર બજાર હિસ્સા કરતાં વધુ છે. આમ ત્રણેય પાંસાઓ પર વિકાસ સાધવાની અમે વ્યૂહરચના ધરાવીએ છીએ, એમ ચંદ્રાએ ઉમેર્યું હતું.