Tue Sep 08 2026

Logo

વૈશ્વિક વિપરીત પરિબળો છતાં રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે ડૉલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઉછાળો

2026-08-31 19:32:49
Author: Ramesh Gohil
વૈશ્વિક વિપરીત પરિબળો છતાં રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે ડૉલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ઉછાળો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગત શુક્રવારે ઈક્વિટીમાં વેચવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં પણ વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હોવાને કારણે આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયામાં 13 પૈસાનો ઘટાડો આવ્યો હતો, પરંતુ સંભવિતપણે રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ રહેતાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો 27 પૈસા ઉછળીને 95.16ની સપાટીએ બંધ રહ્યો હતો. 

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતા આજે સત્રના આરંભે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ શક્યતઃ રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.43ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.56ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.56 અને ઉપરમાં 95.11 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે 27 પૈસાના સુધારા સાથે 95.16ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે ગત શુક્રવારે રૂપિયામાં બે પૈસાનો સાધારણ સુધારો આવ્યો હતો. 

ગત શુક્રવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે તંગ નાણાનીતિના સંકેત આપતા ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હોવાથી આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ સંભવિતપણે રિઝર્વના હસ્તક્ષેપથી રૂપિયો ગત પાંચમી ઑગસ્ટ પછીની મજબૂત સપાટીએ બંધ રહ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કની એફસીએનઆર (બી)ની સ્વેપ ફેસિલિટી, ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ અને એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઈંગ હેઠળ ગત 21મી ઑગસ્ટ સુધીમાં 73 અબજ ડૉલર એકત્રિત થયા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધ્યા મથાળેથી 0.18 ટકા ઘટીને 99.52 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 3.7 ટકા વધીને બેરલદીઠ 91.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે આજે ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 307.24 પૉઈન્ટનો અને 95.25 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5039.80 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.