મુંબઈ: કોમેડિયન સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોના તાજેતરના એપિસોડમાં બિહાર અને કાશ્મીરને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ મામલે કેટલાક રાજકીય નેતાઓએ પણ શોની ટીકા કરી છે.
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની સીઝન એકમાં સ્પર્ધક તરીકે જોવા મળેલી સ્ટેન્ડ-અપ કોમેડિયન શેરોન વર્મા તાજેતરના એપિસોડમાં પેનલિસ્ટ તરીકે સામેલ થઈ હતી. આ દરમિયાન સમય રૈના અને શેરોન વર્મા વચ્ચે બિહાર તથા કાશ્મીરને લઈને મસ્તીભર્યો સંવાદ થયો હતો, જેને લઈને હવે મોટો વિવાદ ઊભો થયો છે.
એપિસોડ દરમિયાન સમય રૈનાએ શેરોન વર્માની પૃષ્ઠભૂમિ અંગે મજાક કરતાં બિહાર સાથે જોડાયેલી ટિપ્પણી કરી હતી. રૈનાએ કહ્યું હતું કે શેરોન એટલી બિહારી છે કે તેને ‘ઈબોલા’નો અર્થ પણ તેને ‘કોઈ બોલ્યું’ એવો લાગે છે.
આ ટિપ્પણીના જવાબમાં શેરોન વર્માએ સમય રૈનાની કાશ્મીરી પૃષ્ઠભૂમિને લઈને ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સમય રૈનાએ ફરી બિહાર અને મુંબઈમાં નોકરીની શોધ સાથે જોડાયેલી મજાક કરી હતી. તેના જવાબમાં શેરોને પોતાના રાજ્ય છોડવા અંગે પણ ટિપ્પણી કરી હતી.
આ સંવાદની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બંને કમ્યુનિટી અને પ્રદેશોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ પ્રકારની ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી છે અને શોના નિર્માતાઓ તથા કોમેડિયનોની ટીકા કરી છે.
આ વિવાદમાં હવે રાજકીય નેતાઓની પણ એન્ટ્રી થઈ છે. એએનઆઈના અહેવાલ મુજબ, શિવસેનાના નેતા આનંદ દુબેએ સમય રૈનાની ટિપ્પણી અને શોની ટીકા કરી છે. બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ પણ નાગરિકો અને સમુદાયો અંગે કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે સમય રૈના અને શેરોન વર્મા વચ્ચે થયેલી વાતચીતને અપમાનજનક ગણાવી અને આવા નિવેદનોને સહન કરવામાં નહીં આવે તેવી પ્રતિક્રિયા આપી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
કોંગ્રેસના નેતા હરીશ રાવતે પણ કહ્યું કે મજાક દરમિયાન કોઈ સમુદાય અથવા વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે કોમેડિયનોએ વધુ સાવધાની રાખવી જોઈએ. શેરોન વર્મા એક સ્ટેન્ડ-અપ કોમેડિયન છે, જેને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની પ્રથમ સીઝનથી લોકપ્રિયતા મળી હતી. શોમાં તેમણે સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને તેમનું પરફોર્મન્સ દર્શકોને પસંદ આવ્યું હતું.
ખાસ કરીને તેના ‘વીક ઈન્ડિપેનડેન્ટ વુમન’ નામના એક્ટને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો હતો. બિહાર સાથે જોડાયેલી તેમની પૃષ્ઠભૂમિ, કોમેડી અને પોતાના વ્યક્તિત્વ સાથે જોડાયેલા વીડિયો ક્લિપ્સને કારણે તે ઓનલાઈન પણ ચર્ચામાં આવી હતા.
આ અગાઉ સિઝન વનમાં રણવીર અલાહાબાદીયાએ કરેલી ટિપ્પણી અંગે પણ ભારે વિવાદ સર્જાયો હતો અને સમયે સિઝન વનના એપિસોડને હટાવવાની ફરજ પડી હતી. તે સમયે તેમના પણ ઘણી એફએઆર પણ થઈ હતી.
થોડા સમય પહેલાં બિહારની સાક્ષી ઝાએ શોમાં પુરુષો પ્રત્યેની પોતાની નારાજગી અંગે કરેલી ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો હતો. આ ટિપ્પણીઓ બાદ સાક્ષી ઝાને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સમય રૈનાએ એક વીડિયો શેર કરીને તેમનો બચાવ કર્યો હતો.
હવે સમય રૈના અને શેરોન વર્મા વચ્ચેની બિહાર-કાશ્મીર સંબંધિત ટિપ્પણીઓને કારણે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ ફરી ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ મામલે અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને વિવાદ વધુ વકરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.