વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન વિદેશી નોકરીયાતો અને વિદ્યાર્થીઓ માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારી કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક નવા પ્રસ્તાવ મુજબ, H-1B વિઝા અને F-1 ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમોની ફીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. આ નિયમ લાગુ થતાં H-1B વિઝાની ફી વધીને 1,03,265 ડોલર થવાની શક્યતા છે. આ પગલાંથી અમેરિકામાં કામ કરવા ઇચ્છતા વિદેશી નાગરિકો અને તેમને સ્પોન્સર કરતી કંપનીઓનો ખર્ચ આસમાને પહોંચશે. અત્યારે આ પ્રસ્તાવો વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ પાસે સમીક્ષા હેઠળ છે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ પ્રસ્તાવિત વધારાની સૌથી માઠી અસર ભારતીયો પર પડશે તેવા સ્પષ્ટ સંકેતો છે, કારણ કે દર વર્ષે મંજૂર થતા કુલ H-1B વિઝામાંથી 70 ટકાથી વધુ વિઝા ભારતીયોને મળે છે. વર્ષ 2024ના આંકડા મુજબ, અમેરિકાએ મંજૂર કરેલી 3.99 લાખ અરજીઓમાંથી 71 ટકા ભારતીય મૂળના લોકોની હતી. અગાઉ વિવિધ સંજોગોના આધારે આ વિઝા માટે સામાન્ય રીતે 2,000 થી 5,000 ડોલર સુધીનો જ ખર્ચ થતો હતો. પરંતુ હવે 1 લાખ ડોલરની આસપાસ ફી થવાથી અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ત્યાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીય યુવાનો માટે રસ્તાઓ મુશ્કેલી વધે તેવા સંકેતો મળી રહ્યા છે.
ફી વધારા ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્ર અન્ય કડક નિયમો પણ લાવી રહ્યું છે. DHSએ હાલમાં નોકરી ગુમાવનારા H-1B કર્મચારીઓને નવી નોકરી શોધવા માટે મળતી 60 દિવસની ગ્રેસ પિરિયડ પણ નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ નિયમ આખરી થશે, તો અમેરિકામાં નોકરી છૂટી જવાના કિસ્સામાં વિદેશી કર્મચારી અને તેમના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે દેશ છોડવો પડશે. અત્યાર સુધી નોકરી જાય તો બે મહિનાનો સમય મળતો હતો, જે સુવિધા હવે છીનવાઈ શકે તેવા સંકેતો છે.
જોકે, સરકારના આ કડક નિર્ણયોનો અમેરિકામાં જ ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. અમેરિકાના સૌથી મોટા બિઝનેસ સંગઠન 'યુએસ ચેમ્બર ઓફ કોમર્સ', ડેમોક્રેટિક રાજ્યો અને કેટલાક યુનિયનોએ આ ફી વધારાને કોર્ટમાં પડકાર્યો છે. અરજીકર્તાઓનો તર્ક છે કે કોંગ્રેસની મંજૂરી વિના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ આ રીતે મનસ્વી રીતે ફી કે ટેક્સ લાદી શકે નહીં, અને રાષ્ટ્રપતિને મળેલી સત્તાનો અર્થ એ નથી કે તેઓ વિઝા કાનૂનમાં જ મૂળભૂત ફેરફારો કરી નાખે. આગામી દિવસોમાં આ મામલે સત્તાવાર વિગતો અને કોર્ટનો વલણ વધુ ચિત્ર સ્પષ્ટ કરશે.