Sat Sep 05 2026

Logo

સોનામાં રૂ. 1534ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 1239ની પીછેહઠ

2026-08-24 19:46:37
Author: Ramesh Gohil
સોનામાં રૂ. 1534ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 1239ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સનાં નરમાઈના અન્ડરટોન સાથે સોનાના ભાવ એક ટકાના ઉછાળા સાથે ત્રણ મહિના કરતાં વધુ સમયગાળાની ઉપરની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1528થી 1534ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1239ની પીછેહઠ જોવા મળી હતી. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1528 વધીને રૂ. 1,61,505 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1534 વધીને રૂ. 1,62,154ના મથાળે રહ્યા હતા.

જોકે, તાજેતરમાં સોનાના ભાવમાં ચમકારો આવ્યો હોવાથી છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ જ આજે વેરારહિત ધોરણે હાજરમાં ચાંદીના કિલોદીઠ ભાવ આગલા બંધ સામે રૂ. 1239ના ઘટાડા સાથે રૂ. 2,45,391ના મથાળે રહ્યા હતા. ચાંદીમાં માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 4649.08 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા વધીને આૈંસદીઠ 4706.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 68.93 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. 

એકંદરે અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનાં લાંબાગાળાના બૉન્ડના બાયબૅકના કાર્યક્રમની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં ગત સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવમાં પાંચ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. જોકે, વૈશ્વિક સોનું આૈંસદીઠ 4600 ડૉલર આસપાસની સપાટીએ કોન્સોલિડેટ થવાની શક્યતા વ્યક્ત કરતાં એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો એવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે હજુ કેટલો સમય ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહે તેના પર સોનાની વધઘટ અવલંબિત રહેશે. 

આજે બજાર વર્તુળોની નજર બુધવારે જાહેર થનારા ગત જુલાઈ મહિનાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર અને  આગામી શુક્રવારનાં રોજ જેક્શન હૉલ ખાતેનાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શનાં વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હતો. 

જોકે, તાજેતરમાં આવેલા અમેરિકાના આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી માત્ર 36 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે.

વાસ્તવમાં જોઈએ તો ફુગાવામાં વધારાના સંજોગોમાં સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ રહેતી હોય છે, પરંતુ હાલના સંજગોમાં જો ફુગાવો વધે તો વ્યાજદરમાં કપાતની શક્યતા નબળી પડતી હોવાથી સોનામાં રોકાણકારો લેવાલીથી દૂર રહેતા હોય છે. વધુમાં અમેરિકાએ ઈરાનના વેપારી ભાગીદાર દેશો પર આકરા આર્થિક નિયંત્રણો લાદવા તૈયારી કરી રહ્યું હોવાનું જણાવતાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું.