Sat Sep 05 2026

Logo

ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20નો ઉછાળો, આયાતી તેલમાં નરમાઈ

2026-08-24 19:49:13
Author: Ramesh Gohil
ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20નો ઉછાળો, આયાતી તેલમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગુજરાતનાં મથકો પર આજે સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની ઉપરાંત સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 30નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25નો ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ 10 કિલોદીઠ સિંગતેલમાં રૂ. 20 વધી આવ્યા હતા, જ્યારે મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા.

જોકે, આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 72 રિંગિટનો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં આયાતી તેલમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં રૂ. 10 ઘટી આવ્યા હતા. 

વધુમાં હાલમાં ખાદ્ય ચીજોની ગુણવત્તાને ધ્યામાં લેતા એફડીએ વિભાગ દ્વારા દરોડાઓ પાડવામાં આવી રહ્યા હોવાથી બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો ખપપૂરતા રહેતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1475 અને રૂ. 1785 તથા સપ્ટેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1470, પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1495 અને સન રિફાઈન્ડના રૂ. 1755 અને ગોકુલ એગ્રોના સપ્ટેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1480 અને ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1540 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, વેપારનો અભાવ હતો. વધુમાં આજે ઈમામીની સોયા રિફાઈન્ડના ઑગસ્ટ મહિનાના કોન્ટ્રાક્ટમાં બાયબૅકમાં રૂ. 1435ના મથાળે લેવાલી નીકળી હોવાના અહેવાલ હતા. 

આજે શ્રાવણીયો સોમવાર હોવાથી ગોંડલ મમગફળીની કોઈ આવક નહોતી, જ્યારે રાજકોટ મથકે 500 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ ગોંડલ મથક પર વિવિધ તેલોમાં 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1700થી 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1630થી 1640 અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1690માં થયા હતા. વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે 45,000 ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 6000થી 6200માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 6150થી 6300માં થયાના અહેવાલ હતા. 

આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1490, સન રિફાઈન્ડના રૂ. 1765, સિંગતેલના રૂ. 1770, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1710 અને સરસવના રૂ. 1780ના મથાળે રહ્યા હતા.