નવી દિલ્હી: જંતર મંતર પર વિદ્યાર્થી આંદોલન બાદ સરકારી શાળાઓની સ્થિતિને સુધારવા માટે શરૂ થયેલી ચળવળ અને હવે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કેન્દ્ર સરકાર સામે દિલ્હીમાં ફરી એકવાર મોટા પાયે આંદોલન કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. CJPએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે અગાઉ આપેલા પોતાના વચનો પાળ્યા નથી.
આ વચનભંગના વિરોધમાં આગામી 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટથી લઈને દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી એક વિશાળ વિરોધ માર્ચ કાઢવામાં આવશે. આ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષાની ગેરરીતિઓના કારણે પોતાનો જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારો અને ભૂતકાળમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલા પીડિત પરિવારો દ્વારા કરવામાં આવશે.
CJPએ સરકારની ઢીલી નીતિ પર પ્રહાર કરતા કહ્યું છે કે 25 જુલાઈના રોજ દેશના યુવાનો સાથે કરવામાં આવેલા વચનો પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખાસ કરીને આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી પોલીસ ફરિયાદો પાછી ખેંચવાના વચન અંગે સરકાર કોઈ જ નક્કર પગલાં લઈ રહી નથી. સરકારે પોતાના વચનો પૂરા કરવામાં મોડુ અને આનાકાની કરી હોવાથી, પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમિતિએ ફરી એકવાર શાંતિપૂર્ણ રીતે એકજૂથ થઈને સરકાર સામે અવાજ ઉઠાવવાનો અને રસ્તા પર ઉતરવાનો નિર્ણય લીધો છે.
🚨#BIGANNOUNCEMENT🚨
— Cockroaches of India (@CJP_for_India) August 24, 2026
The Cockroach Janta Party calls for a peaceful protest march at India Gate, New Delhi on September 5.
The National Working Committee expressed serious doubts over whether the Government of India intends to honour its commitments made to the young generation… pic.twitter.com/czYq523rIy
દિલ્હીમાં યોજાનારી આ માર્ચ અંગે પાર્ટીએ જણાવ્યું છે કે આ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે થશે. પાર્ટીનો આરોપ છે કે છેલ્લા એક મહિનાથી સરકારે વચનોના અમલીકરણને બદલે માત્ર ટેકનિકલ કારણો આગળ ધરીને સમય પસાર કરવાની રણનીતિ અપનાવી છે. સુપ્રીમ કોર્ટમાં પણ સરકાર દ્વારા આ સંબંધિત મામલાઓમાં કોઈ સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી નથી. CJPએ સરકારને કડક શબ્દોમાં ચીમકી આપતા કહ્યું છે કે સરકારે પોતાના શબ્દોનું માન જાળવવું જોઈએ અને અમારી ધીરજને અમારી નબળાઈ સમજવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
પાર્ટીએ વધુમાં જણાવ્યું છે કે તેમને અત્યાર સુધી સરકાર તરફથી તેણે આપેલા વચન પૂરા કરવા અંગે કોઈ જ લેખિત આશ્વાસન આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, CJPએ દેશભરના તમામ વિદ્યાર્થીઓ, વિવિધ યુવા સંગઠનો અને નાગરિકોને 5 સપ્ટેમ્બરની આ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.