રાજકોટ: શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપીને પી.એચ.ડી. કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર મામલો નોંધાયો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, 26 વર્ષીય ફરિયાદી યુવતીએ આક્ષેપ કર્યો છે કે જેતપુરના ડેડરવા ગામના રહેવાસી ચિંતન મકવાણાએ તેની સાથે પ્રેમસંબંધ બાંધીને અવારનવાર હોટલમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે આ મામલે આરોપી સામે IPC ની કલમ 376(2)(N) અને 312 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહીને અભ્યાસ કરતી પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2021માં જેતપુરમાં કોલેજ અભ્યાસ દરમિયાન તેનો સંપર્ક ચિંતન સાથે થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ તે ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ આવી ગઈ હતી, જ્યાં આરોપી તેને અવારનવાર મળવા આવતો હતો. આરોપીએ યુવતીની માસ્ટર ડિગ્રી પૂરી થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી અને ફેબ્રુઆરી 2023 માં કિશાનપરા ચોક પાસે આવેલી એસ.એસ. ઇન હોટલમાં લઈ જઈને પહેલીવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.

યુવતીનું સતત શારીરિક શોષણ થતાં જુલાઈ 2024 માં તેને બે માસનો ગર્ભ રહી ગયો હતો. આ વાતની જાણ થતાં આરોપી ચિંતને ગર્ભપાત કરવાની દવા મોકલાવી હતી, જેનાથી મજબૂરીવશ યુવતીએ પોતાનો ગર્ભ પડાવી નાખવો પડ્યો હતો. યુવતીનો વિશ્વાસ જાળવી રાખવા માટે વર્ષ 2025 માં આરોપી તેને ચોટીલા દર્શને લઈ ગયો હતો. ત્યાં માતાજીની સાક્ષીએ આરોપીએ યુવતીની માંગમાં સિંદૂર પૂરીને તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી, પરંતુ આમ છતાં તેણે કાયદેસરના લગ્ન કરવાનું બહાના બતાવીને સતત ટાળ્યું હતું.
આખરે 5 ઓગસ્ટ 2026 ના રોજ બંનેએ વડિયા ખાતે વકીલને મળીને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ત્યાં પણ આરોપીએ છેતરપિંડી કરીને યુવતીની જાણ બહાર તેના પરિવારને બોલાવી લીધો હતો અને લગ્ન કર્યા ન હતા. ત્યારબાદ પોતાના માતા-પિતા સાથે વાત કરવાનો બે-ત્રણ દિવસનો સમય માંગીને ૧૦ ઓગસ્ટે આરોપીએ યુવતીનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. પોતાની સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી અને શોષણનો અહેસાસ થતાં, અંતે કંટાળીને પીડિતાએ ન્યાય મેળવવા માટે એ-ડિવિઝન પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.