Mon Sep 07 2026

Logo

રાધનપુર-વારાહી હાઈવે પર ગંભીર અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા અંજારના 3 યુવાનોના મોત, 4 ગંભીર

2026-09-06 20:01:00
Author: Vimal Prajapati
રાધનપુર-વારાહી હાઈવે પર ગંભીર અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા અંજારના 3 યુવાનોના મોત, 4 ગંભીર

પાટણઃ રાધનપુર-વારાહી નેશનલ હાઈવે નંબર-27 પર મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અંજારના રહેવાસી શક્તિસિંહ જાડેજા, મહેશ મહેતા અને સુનિલ ચાવડા સહિતના મિત્રો ખાટુશ્યામના દર્શન કરી પોતાની ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ઊભેલી વિરમગામથી સાંતલપુર તરફ સસ્તા અનાજનો માલ લઈ જતી ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતા સર્જાયો અકસ્માત

આ કરૂણ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજા, મહેશ અંબુભાઈ મહેતા અને સુનિલ લક્ષ્મણભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં સવાર ગોપાલસિંહ ગોહિલ (ઉં.વ. 27), મુકેશ કોળી (ઉં.વ. 22), કિશોરસિંહ જાડેજા (ઉં.વ. 37) અને 14 વર્ષીય બાળક સત્યરાજસિંહ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને સૌપ્રથમ રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખસેડાયા છે. રાધનપુર પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે, તેમજ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.