Mon Sep 07 2026

Logo

21 વર્ષની છોકરીએ 3 વર્ષની બચત ખર્ચીને સાવ સસ્તામાં બનાવેલી ફિલ્મની કમાણી 90 કરોડ, હવે આવશે સિક્વલ

2026-09-07 12:07:00
Author: Vimal Prajapati
21 વર્ષની છોકરીએ 3 વર્ષની બચત ખર્ચીને સાવ સસ્તામાં બનાવેલી ફિલ્મની કમાણી 90 કરોડ, હવે આવશે સિક્વલ

મુંબઈઃ જો તમારો સંકલ્પ દ્રઢ હોય તો ઉંમર માત્ર એક આંકડો બની રહે છે. આવું જ કંઈક 21 વર્ષની અનુપ્રિયા નાગરે સિદ્ધ કરી બતાવ્યું છે. ફિલ્મ નિર્માણનો કોઈ અનુભવ ન હોવા છતાં, હૃદયમાં રહેલી વાર્તાને લોકો સુધી પહોંચાડવાના જનૂન સાથે અનુપ્રિયાએ પોતાની ૩ વર્ષની પાર્ટ-ટાઈમ નોકરીમાંથી બચાવેલી તમામ મૂડી પોતાની પહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) માં લગાવી દીધી હતી. આજે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે.

વિદેશની સારી એવી જોબ છોડી ભારત પરત ફરી

અનુપ્રિયાએ યુકેની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ બાથમાંથી ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને ત્યાં જ એખ સારી નોકરી પણ મળી ગઈ હતી, પરંતુ માતૃભૂમિ અને અધ્યાત્મ પ્રત્યેના લગાવને કારણે તેણે 2025માં ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો અને ‘હનુમાન અંશ’ ફિલ્મ સાથે સહ-નિર્માતા તરીકે જોડાઈ હતી. 

અનુપ્રિયાના જણાવ્યાં પ્રમાણે, તેને નીમ કરોલી બાબા વિશે સૌપ્રથમ એક વિદેશી વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું હતું. આ વાત તેને અંદરથી ખૂંચી કે ભારતીય હોવા છતાં પોતાની જ ભૂમિના આટલા મોટા આધ્યાત્મિક સંત વિશે વિદેશી પાસેથી જાણવું પડ્યું. આ જ કારણસર તેણે નીમ કરોલી બાબાની પ્રેરણાદાયી વાર્તા આજની યુવા પેઢી સુધી પહોંચાડવાનો નિશ્ચય કર્યો.

ફિલ્મની સિક્વલ અંગે મોટી જાહેરાત

આ ફિલ્મના અંતમાં જ મેકર્સે સિક્વલનો સંકેત આપી દીધો હતો. બોક્સ ઓફિસ પર મળેલી અકલ્પનીય સફળતા બાદ અનુપ્રિયાએ સ્પષ્ટ કર્યું છે કે ‘હનુમાન અંશ’નો બીજો ભાગ ચોક્કસ આવશે અને તે ફેન્સને બિલકુલ નિરાશ નહીં કરે. વધુમાં જણાવ્યું કે, 2 કરોડના સીમિત બજેટને કારણે જ ફિલ્મમાં સાદગી અને રિયલ લુક જળવાઈ રહ્યા હતા. જો આ ફિલ્મ 10 કરોડના બજેટમાં બની હોત તો કદાચ તેનો આત્મા ખોવાઈ ગયો હોત. તેથી તે આગામી ભાગમાં પણ આ જ સાદગી અને ઓરિજિનલ અંદાજ જાળવી રાખવા માંગે છે.

28 દિવસમાં ૯૦ કરોડથી વધુની કમાણી કરી લીધી

‘હનુમાન અંશ’ ફિલ્મ રિલીઝ થયાના 28 દિવસ પછી પણ થિયેટરોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફિલ્મનું બજેટમાં અંદાજે માત્ર 2 કરોડ રૂપિયા છે. જ્યારે બોક્સ ઓફિસ કલેક્શન 90 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આજે આ ફિલ્મ રૂપિયા 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરવાની સંપૂર્ણ શક્યતા છે.