Mon Sep 28 2026

Logo

ચૈતર વસાવા જેલમાંથી બહાર, હાઈ કોર્ટે આપ્યાં કેટલા દિવસના જામીન?

2026-09-07 12:49:00
Author: Vimal Prajapati
ચૈતર વસાવા જેલમાંથી બહાર, હાઈ કોર્ટે આપ્યાં કેટલા દિવસના જામીન?

અમદાવાદઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યાં છે. જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યાં છે. નોંધનીય છે કે, વિધાનસભાના ચોમાસુ સત્રમાં સદનમાં હાજર રહેવા માટે હંગામી જામીન આપવામાં આવ્યાં છે. અત્યારે તેઓ  વડોદરાની જેલમાં સજા ભોગવી કર્યાં છે. ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. અત્યારે તેમના સાત દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. 

વિધાનસભાના સત્રમાં ઉપસ્થિત રહેવા જામીન મળ્યાં

જામીનની વાત કરવામાં આવે તો, કોર્ટના આદેશ પ્રમાણે ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં. આ સાથે લોકોને કે મીડિયાને પણ સંબોધિત કરી શકશે નહીં. આ જામીન દરમિયાન તેઓ કોઈ પણ મીડિયા ઈન્ટરવ્યૂ આપી શકશે નહીં. જેથી જામીન દરમિયાન ચૈતર વસાવા માત્ર વિધાનસભા સદનની કાર્યવાહીમાં હાજરી આપી શકશે. બાકીની ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવી છે. 

આ પહેલા ચૈતર વસાવા દ્વારા 24 ઓગસ્ટે જામીન માટે અરજી કરવામાં આવી હતી તેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે તે વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પહેલા પણ ચૈતર વસાવાના શરતી જામીન આપવામાં આવ્યાં હતાં, પરંતુ છતાં તેઓ અન્ય ક્રાઈમમાં સામેલ થયાં હતાં. જેથી તે વખતે જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે વિધાનસભાના ચોમાસુ સત્ર માટે જામીન આપવામાં આવ્યાં છે.