Tue Oct 06 2026

Logo

ઉજ્જૈનમાં શાહી મસ્જિદ હટાવવા અંગે વિવાદ, પથ્થરમારો થતો પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા; 2000 જવાનો તૈનાત

2026-09-28 11:28:00
Author: Vimal Prajapati
ઉજ્જૈનમાં શાહી મસ્જિદ હટાવવા અંગે વિવાદ, પથ્થરમારો થતો પોલીસે  ટીયર ગેસના શેલ છોડ્યા; 2000 જવાનો તૈનાત

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલા અબ્દાલપુરા વિસ્તારમાં ઐતિહાસિક શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની પ્રક્રિયાને લઈને ભારે ધમાસાણ સર્જાયું છે. મસ્જિદના એક ભાગને દૂર કરવાની કવાયત સામે વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. આજે ઉગ્ર બનેલી ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. અત્યારે સ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

મુસ્લિમ સમાજમાં જ બે જૂથ વચ્ચે વિભાજન

આ સમગ્ર મામલે રવિવારથી જ મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા એકઠા થઈ રહ્યા છે. પરંતુ હવે આ મુદ્દે મુસ્લિમ સમાજમાં પણ બે ભાગ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. સમાજનો એક વર્ગ પ્રશાસન સાથે સહમતિ દર્શાવીને મસ્જિદનો સંબંધિત ભાગ સ્વૈચ્છિક રીતે હટાવવા તૈયાર છે, જ્યારે બીજું જૂથ આ કાર્યવાહીનો સખત વિરોધ કરી રહ્યું છે. જેના કારણે મામલો વધાર ઉગ્ર બન્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
 

મોડી રાત્રે જેસીબી પહોંચતાં બબાલ વધી

રવિવારે રાત્રે જ્યારે ભારે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને પોકલેન મશીનો મસ્જિદ પાસે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો અને પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વહીવટીતંત્ર અને પોલીસ સામે ભારે નારેબાજી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાણી હતી. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રે મસ્જિદના 500 મીટરના વિસ્તારમાં બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે આશરે 2,000 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ અને રસ્તા પહોળા કરવાનો વિવાદ

ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ કુંભમેળાના આયોજનને ધ્યાનમાં રાખીને કંઠાલ ચોકથી ગોપાલ મંદિર સુધીના 900 મીટર લાંબા માર્ગને 15 મીટર પહોળો કરવાની યોજના છે. આ રસ્તાના દાયરામાં કુલ 7 ધાર્મિક સ્થળો આવી રહ્યા હતા. તેમાંથી મોટાભાગના સ્થળોને પરસ્પર સહમતિથી હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ, ખડે હનુમાન મંદિરથી ગોપાલ મંદિર વચ્ચે આવેલી એક મઝાર, ખડે હનુમાન મંદિર અને શાહી મસ્જિદના મુદ્દે સ્થિતિ સંવેદનશીલ બનેલી છે.