Tue Oct 06 2026

Logo

મુંદરામાં મહિલાનો ફોન હેક કરી બેંક ખાતામાંથી રૂ. ૧.૨૦ લાખ સેરવી લેવાયા

2026-09-28 11:40:00
Author: Mumbai Samachar Team
મુંદરામાં મહિલાનો ફોન હેક કરી બેંક ખાતામાંથી રૂ. ૧.૨૦ લાખ સેરવી લેવાયા

મોબાઇલ ફોનમાં અસંખ્ય ઓટીપી આવ્યા બાદ સીમકાર્ડ થયું બંધ : સાયબર ગઠિયાએ ઓનલાઇન નાણાં ઉપાડી છેતરપિંડી આચરી

ભુજ: બંદરીય મુંદરામાં એક મહિલાના મોબાઇલ ફોનના હેક કરીને તેના બેંક ખાતામાંથી ભેજાબાજ ગઠિયાએ રૂ. ૧,૧૯,૯૯૬ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હોવાની છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

મુંદરાની કલાપૂર્ણ સોસાયટીમાં રહેતાં અને કસ્ટમ ક્લિયરન્સ સાથે સંકળાયેલાં જમીલા ઇન્ફાક માંજોઠીએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ તેમના jio મોબાઇલ નંબર પર અચાનક ઉપરાઉપરી અસંખ્ય ઓટીપી-વન ટાઇમ પાસવર્ડ આવવા લાગ્યા હતા. સુરક્ષાના કારણોસર ટેલિકોમ કંપની દ્વારા સિમકાર્ડ આપોઆપ બ્લોક કરી દેવાયું હતું. ત્યારબાદ ફરિયાદીના પતિએ કસ્ટમર કેરમાં સંપર્ક કરીને સિમકાર્ડ પુનઃ કાર્યરત કરાવ્યું હતું.

દરમિયાન, ગત તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ ફરિયાદીના ફોન પર ખાતામાંથી રૂ. ૨૪,૯૯૯ ડેબિટ થયાનો એસએમએસ આવ્યો હતો. આ અંગે તેમણે અદાણી પોર્ટ ખાતે નોકરી કરતા પતિ ઇન્ફાકને વાકેફ કર્યા હતા. પતિએ પી.યુ.બી. બિલ્ડિંગમાં આવેલી યસ બેંકની શાખામાં જઈ ખાતાની વિગતો તપાસતાં મહિલાના ખાતામાંથી તબક્કાવાર કુલ રૂ. ૧,૧૯,૯૯૬ સેરવી લેવાયા હોવાનું સામે આવ્યું હતું.

દંપતીએ તત્કાળ યુપીઆઈ તેમજ બેંક વ્યવહારો અટકાવી દઈ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. કોઈ અજાણ્યા શખ્સે મોબાઇલ સિસ્ટમ હેક કરી કે ગેરકાયદે એક્સેસ મેળવી નાણાં મેળવી લીધા હોવાના ચોંકાવનારા મામલે મુંદરા પોલીસે ગુનો નોંધી સાયબર સેલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય