ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા ‘ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક’ને હવે દેશના નકશા પર એક વિશિષ્ટ અને સ્વતંત્ર ભૌગોલિક ઓળખ પ્રાપ્ત થઈ છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ વિશાળ ગ્રીન એનર્જી હબ માટે સમર્પિત ડિલિવરી પોસ્ટ ઓફિસ સાથે નવો પોસ્ટલ ઇન્ડેક્સ નંબર-પિનકોડ 370246 ફાળવવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા ખાવડા પંથકના અભૂતપૂર્વ પરિવર્તન અને ઊર્જા ક્ષેત્રે તેના વૈશ્વિક મહત્વને ઉજાગર કરે છે.
ટપાલ વિભાગે ફાળવ્યો નવો પિનકોડ : 370246
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (એજીઈએલ) તેમજ અન્ય અગ્રણી ડેવલપર્સ દ્વારા આશરે 538 ચોરસ કિલોમીટરના વિશાળ રણ વિસ્તારમાં આ પાર્કનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વર્તમાન સમયમાં અહીં 10 ગીગાવોટથી વધુ હરિત ઊર્જા ઉત્પાદનની ક્ષમતા સફળતાપૂર્વક કાર્યરત થઈ ચૂકી છે, જેને વર્ષ 2029 સુધીમાં વધારીને 30 ગીગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ક્યારેક અવાવરુ અને વેરાન ભાસતો આ સીમાવર્તી વિસ્તાર આજે આધુનિક ટાઉનશિપમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે, જ્યાં 15,000થી વધુ ઇજનેરો, અધિકારીઓ અને શ્રમિકો વસવાટ કરે છે. આ વિશાળ માનવબળ માટે પાકા માર્ગો, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, ડિસેલિનેશન વોટર પ્લાન્ટ તેમજ 200 કિલોમીટરથી વધુ લાંબી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક કનેક્ટિવિટી ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, રિટેલ દુકાનો અને બેંકિંગ જેવી પાયાની સવલતો પણ ઉપલબ્ધ બનાવાઈ છે.
નવનિર્મિત ‘રિન્યુએબલ એનર્જી પાર્ક, ખાવડા પોસ્ટ ઓફિસ’ કાર્યરત થવાથી સ્પીડ પોસ્ટ, પાર્સલ બુકિંગ, બચત યોજનાઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી) મારફતે ડિજિટલ નાણાકીય સેવાઓ સીધી જ સાંપડશે. આ નવો પિનકોડ માત્ર ટપાલ વ્યવહાર પૂરતો સીમિત ન રહેતાં ગૂગલ મેપ લોકેશન, ઈ-કોમર્સ ડિલિવરી, લોજિસ્ટિક્સ અને વીમા કંપનીઓ માટે પણ સીમાચિહ્નરૂપ પુરવાર થશે