મુંબઈઃ વેબ સીરિઝ ક્ષેત્રે જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે મોટા પડદે રિલીઝ થયેલી ‘મિર્ઝાપુર: ધ મૂવી’ બોક્સ ઓફિસ પર ભારે ધૂમ મચાવી રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા જેવા દિગ્ગજ કલાકારોની અભિનયના કારણે આ ફિલ્મે પોતાના પ્રથમ વીક એન્ડમાં જ કમાણીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મની જંગી કમાણી જોઈને મેકર્સ અને ચાહકો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્રીજા દિવસે રૂપિયા 36 કરોડનો વેપાર કર્યો
‘મિર્ઝાપુર: ધ મૂવી’એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે રૂપિયા 36 કરોડનું જંગી નેટ કલેક્શન કર્યું છે. બીજા દિવસના રૂપિયા 32 કરોડના કલેક્શનની સરખામણીએ ત્રીજા દિવસે રૂપિયા 4 કરોડનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્રીજા દિવસે થિયેટરોમાં હિન્દી ઓક્યુપન્સી 60.6% રહી હતી, જ્યારે દેશભરમાં ફિલ્મના અંદાજે 11,344 શૉ ચલાવવામાં આવી રહ્યા છે. પંકજ ત્રિપાઠીની ‘મિર્ઝાપુર: ધ મૂવી’ એ સ્થાનિક સ્તરે રૂપિયા 112.35 કરોડની કમાણી કરી છે.
Mirzapur: The Movie': Munna Bhaiya (Divyenndu)
માત્ર 3 દિવસમાં જ રૂપિયા 100 કરોડનો આંકડો પાર કરી દીધો
વિશ્વભરમાં આ ફિલ્મે માત્ર 3 દિવસમાં જ રૂપિયા 132 કરોડથી વધુનો કારોબાર કરીને 100 કરોડનો માઈલસ્ટોન સફળતાપૂર્વક વટાવી લીધો છે. બિગ સ્ક્રીન પર ‘કાલીન ભૈયા’ (પંકજ ત્રિપાઠી), ‘ગુડ્ડુ પંડિત’ (અલી ફઝલ) અને ‘મુન્ના ભૈયા’ (દિવ્યેન્દુ શર્મા) ના દમદાર અવતારને જોઈને ફેન્સ રોમાંચિત થઈ ગયા છે. સીરિઝના જૂના સ્ટાર્સ જેવા કે શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, શ્રિયા પિલગાંવકર અને કુલભૂષણ ખરબંદાએ પણ પોતાના અભિનયથી દર્શકોને જકડી રાખ્યા છે.
આ ઉપરાંત ‘મિર્ઝાપુર: ધ મૂવી’માં રવિ કિશન, જિતેન્દ્ર કુમાર અને સોનલ ચૌહાણ જેવા નવા ચહેરાઓની એન્ટ્રીથી વાર્તામાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે. સોશિયલ મીડિયા પર તમામ સ્ટાર્સની જુગલબંધી અને ડાયલોગ ડિલિવરીના ભારે વખાણ થઈ રહ્યા છે.