Tue Oct 06 2026

Logo

ભારતને ધાર્મિક સહિષ્ણુતા પર જ્ઞાન આપતા પાકિસ્તાને 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડ્યું

Islamabad   2026-09-07 11:34:00
Author: Vimal Prajapati
ભારતને ધાર્મિક સહિષ્ણુતા પર જ્ઞાન આપતા પાકિસ્તાને 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડ્યું

ઇસ્લામાબાદ: ભારતના આંતરિક બાબતોમાં દખલગીરી કરવા અને ધાર્મિક સહિષ્ણુતા પર શિખામણ આપવાની પાકિસ્તાનની જૂની આદત રહી છે. ઉત્તર પ્રદેશમાં એક જૂના બાંધકામને હટાવવાના મુદ્દે ઇસ્લામાબાદે મગરના આંસુ સાર્યા છે, પરંતુ જ્યારે પોતાના ઘરમાં ડોકિયું કરવાની વારી આવી ત્યારે પાકિસ્તાનનો કટ્ટરપંથી અને લઘુમતી વિરોધી ચહેરો વિશ્વ સમક્ષ ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે.

વરસાદનું બહાનુ ધરીને મંદિર જમીનદોસ્ત કરાયું

પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં સ્થિત 125 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. સ્થાનિક લઘુમતી અધિકાર સંગઠન પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટીના દાવા મુજબ, આ મંદિરને 21 ઓગસ્ટે ષડયંત્ર પૂર્વક તોડી પાડવામાં આવ્યું હતું જેથી નજીકમાં આવેલા મદ્રેસાનો વિસ્તાર કરી શકાય.

પોતાના પાપ છુપાવી ભારત પર આરોપ

આ વિવાદ વધતાં પાકિસ્તાન સરકાર અને પંજાબ પ્રાંતના તંત્રે સફાઈ આપતાં દાવો કર્યો છે કે, ભારે વરસાદના કારણે મંદિરનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો, તેથી સુરક્ષાના કારણોસર તેને હટાવવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક લોકોનો આરોપ છે કે મંદિરના ગુંબજમાંથી ઈંટો અને ધાતુનો સામાન ચોરી લેવામાં આવ્યો હતો અને તંત્રની મિલીભગતથી મદ્રેસા માટે જમીન ખાલી કરાવવામાં આવી હતી. પોતાના દેશમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળોના રક્ષણમાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સજ્જાદ હૈદર ખાને ઊલટાનું ભારત પર ઇસ્લામોફોબિક નીતિઓ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. 

સહારનપુરમાં એક માળખું હટાવવા બદલ પાકિસ્તાને ભારતની ટીકા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું પોતાના જ દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારનાર પાકિસ્તાન પાસે વિશ્વના સૌથી મોટા બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ ભારત પર આંગળી ચીંધવાની કોઈ નૈતિકતા બચી છે? 1947માં પાકિસ્તાનમાં લઘુમતીઓની વસ્તી જે 23 ટકા હતી તે અત્યારે માત્ર 2 ટકા જ રહી ગઈ છે. પાકિસ્તાન પોતાના વાસ્તવિક રૂપને છુપાવીને ભારત પર આંગળી ચિંધવાનું કામ કરતું આવ્યું છે. પરંતુ તેનો ચહેરો હવે દુનિયા સામે બેનકાબ થઈ ગયો છે.